પંજાબથી ચોખાની આડમાં વિદેશી દારૂની 20,400 બોટલ ભરી મુન્દ્રા જતા ટ્રકને માળીયા નજીક આંતરી લેવાયો : પોલીસે રાજસ્થાનના બે શખ્સ ઝડપી લીધા મોરબી : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય એ પહેલા જ મોરબી એલસીબી ટીમે પંજાબથી ચોખાની આડમાં વિદેશી દારૂની 20,400 બોટલ ભરી મુન્દ્રા જતા ટ્રકને માળીયા નજીક આંતરી લઈ ટ્રક અને દારૂ સહીત કુલ રૂપિયા 43,94,200ના મુદામાલ સાથે બે રાજસ્થાની શખ્સને દબોચી લીધા હતા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂ ઠાલવવા બુટલેગરો સક્રિય થયા હોય પોલીસ સતર્ક બની છે ત્યારે મોરબી એલસીબી ટીમના હેડ કોન્સટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલસંજયભાઇ રાઠોડ અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી ટાટા ટ્રક નંબર-RJ-02-GA- 7202માં પંજાબથી ચોખાની આડમાં મુન્દ્રા તરફ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ટીમે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોક્ત વર્ણનવાળા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલોનો મોટાપ્રમાણમાં જથ્થો મળી આવતા પોલીસે ચુનીલાલ દુર્ગારામ પુનીયા, રહે. જાયડુ ગામ તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) અને દેવારામ હનુમાનરામ માયલા,રહે. સનાવડા ગામ તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવ્યો હતો. વધુમાં એલસીબી ટીમે ટ્રકમાંથી સ્ટરલીંગ રીઝર્વ પ્રીમીયર બ્લેન્ડેડ વ્હીસ્કીની બોટલો નંગ-1080,કિંમત રૂપિયા 3.24 લાખ, મેકડોવેલ્સ નંબર-1 બ્રાન્ડની બોટલો નંગ-3480 કિંમત રૂપિયા 13.05 લાખ, મેકડોવેલ્સ-1 કલેશન વ્હીસ્કીની નંગ-11040 કિંમત રૂપિયા 11.04 લાખ, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-4800 કિંમત રૂપિયા 4.80 લાખ, ટાટા ટ્રક નંબર-RJI2-GA-7202 કી.રૂ.10 લાખ, ચોખા ભરેલ બોરીઓ નંગ-224 આશરે વજન 5600 કીલો કી.રૂ.1,51,200, મોબાઇલ ફોન નંગ-2 કી.રૂ. 10,000 રોકડા રૂપીયા-20,000 તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.43,94,200 કબ્જે કરી વિકાસ ઉર્ફે વિક્રમસિંગ રહે. આબુરોડ, રાજસ્થાન નામના શખ્સને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.