મોરબીઃ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપર દ્વારા રવાપર ગામે આવેલી નવજીવન વિદ્યાલયમાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રો વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી. નવજીવન વિદ્યાલય ખાતે યોજાયેલ વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ ચિત્ર સ્પર્ધા કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. રીંકલબેન સાણંદિયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી ડી..બી. પાડલિયા, આચાર્ય કિશોરભાઈ મુંગરા અને હિરેનભાઈ બોપલિયા તથા તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના સુપરવાઈઝર દિનેશભાઈ રાંકજા, સબ સેન્ટર સ્ટાફ, CHO- ખ્યાતીબેન RBSK મેઓ અમિત ઘેલાણી, શીતલબેન તથા FHW મેમુનાબેન સેરસિયા MPHW- પાર્થભાઈ શિંગાળા તથા અક્ષ્યગીરી ગોસાઈએ જહેમત ઉઠાવી હતી.