ચાર મહિનાથી એસી સહિતનો ડાયરેક્ટ બેરોકટોક વીજ વપરાશ છતાં પાલિકા અને પીજીવીસીએલનું મૌન : સિટી બસના કોન્ટ્રાકટર કહે છે મને કંઈ ખબર નથી મોરબી : વીજ બચત સપ્તાહની ઉજવણી સમયે જ મોરબીમાં સીટી બસ કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લે આમ વીજ ચોરી થઈ રહી છે !!! જેમાં છેલ્લા ચારેક માસથી ખુલ્લે આમ વીજ ચોરી છતાં વીજતંત્ર દ્વારા કોઈ પુછાણ પણ ન થતા આશ્ચર્ય સર્જાયું છે. મોરબીના ગાંધીચોકમાં પાલિકાના પાર્કિંગમાં ખુલ્લેઆમ વીજચોરી થાય છે છતાં પણ ન તો પાલિકા તંત્ર કે ન તો મોરબી પીજીવીસીએલ કોઈ સવાલ પૂછી રહ્યું છે. મોરબી શહેરમાં સીટી બસ સર્વિસ પુરી પાડી રહેલી ખાનગી એજન્સી દ્વારા નગરપાલિકામાં કોઈ પણ ઠરાવ વગર હાલમાં ગાંધી ચોકની ગુજરી બજારનો કબ્જો સંભાળી લઈ અહી સીટી બસ સ્ટેન્ડ બનાવાયું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા અહીં સીટી બસનો ડેપો શરૂ કરી પાલિકા કે અન્ય કોઈ જવાબદાર વહીવટી તંત્રની મંજૂરી વગર એક કન્ટેનરમાં એર કંડીશનર સહિતની સુવિધાઓ સાથે અહીં ડાયરેક્ટ વીજ કનેક્શન મેળવી બેફામ અને ખુલ્લે આમ વીજચોરી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, આ સંજોગોમાં મોરબી પીજીવીસીએલ અને પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. આ મુદ્દે વીજતંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. જ્યારે સિટી બસના કોન્ટ્રાકટરે વીજ કનેશન અંગે કાઈ જ ખબર ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હતાં.