નગરપાલિકા અને વહીવટી તંત્રની ગુન્હાહિત બેદરકારી પ્રજાને ભારે પડશે : આગ લાગે તો રાજકોટથી ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ નગરપાલિકા તંત્ર ઉપર પસ્તાળ પળી છે ત્યારે નગરપાલિકા અને વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, મોરબી પાલિકા પાસે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે અગ્નિશમનના પૂરતા સાધનો ન હોવા છતાં પણ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં સમાવિષ્ઠ મોરબીમાં ફક્ત ચાર માળના લો રાઇઝ બિલ્ડિંગની જ મંજૂરી મળે છે પણ અહીં નગરપાલિકાને વહીવટી અંધાપો આવી જતા દસ માળ કે તેથી વધુ ઉંચા બિલ્ડીંગ બેરોકટોક પણ નિર્માણ થયા છે અને થઈ પણ રહ્યા છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે પાલિકાની સાથે રવાપર જેવી પંચાયતના સત્તાધીશો પણ રોકડીયા વહીવટ કરી ગેરકાયદે હાઈરાઈઝ ઈમારતોને મંજૂરી આપી રહી છે જે ભવિષ્યમાં ઝૂલતાપૂલ જેવી દુર્ઘટનાઓને નોતરું આપી રહી છે. સીરામીક સહિતના ઉધોગોને કારણે સતત વિકસતા અને મહાનગર બનવા હરણફાળ ભરતા મોરબીમાં સૌથી મોટો ગંભીર મુદ્દો એ છે કે, આઠ, દસ માળની હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગે તો તેને બુઝવવા માટે મોરબી ફાયર બ્રિગેડ સ્ટાફ અસક્ષમ છે. સવા વર્ષ પહેલાં ફાયર સ્ટેશન ઓફિસર સહિતનો નવો સ્ટાફ ફાળવી દીધો પણ સૌથી અગત્યની હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગ બુઝવવા માટે જરૂરી સાધન સામગ્રી હાઈડ્રોલીક મશીન ફાળવ્યું નથી. એટલે મોટી ઇમરતોમાં આગ લાગે તો રાજકોટ પર જ આધાર રાખવો પડે એમ છે. રાજકોટથી ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી મોટી દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ ? જો કે સરકારની મોટી કૃપા કહેવાય કે આટલા વિકસતા શહેરમાં છેલ્લા સાત દાયકા પછી સક્ષમ હોય એવો ફાયર સ્ટાફ તો મુક્યો નહિતર અત્યાર સુધી પાલિકાનો ગેરેજનો બિન અનુભવી સ્ટાફથી ગાડું ગબડાવાતું હતું. સાત દાયકા પછી નવો સ્ટાફ આપ્યો ત્યારે હવે સાધન સામગ્રી આપવામાં હજુ કેટલા વર્ષ નીકળી જશે એ કોઈ કહી શકે એમ નથી. મોરબી ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારે સવા વર્ષ પહેલાં મોરબી ફાયર બ્રિગેડ ફવોલીફાઇડ સ્ટાફ એટલે એક ફાયર સ્ટેશન ઓફિસર, એક વાયરલેસ ઓફિસર સહિત ફાયર ફાઇટિંગનો 15નો સ્ટાફની નિમણુંક કરી છે. જો કે મોરબીના સીરામીક સહિતના અનેક ઉધોગોને કારણે દરરોજ એકાદ બે આગની ઘટના બને છે. જો કે ઉધોગો સહિતના સ્થળે આગ બુઝવવા માટે જરૂરી સ્ટાફ અને બે મોટા અને બે નાના સહિત ચાર ફાયર ફાયટર સક્ષમ છે. પણ મોટી ઇમારતોમાં આગ લાગે તો એને બુઝાવી શકાય એમ નથી. કારણ કે પાંચ માળથી ઉપર આગ લાગે તો એને બુઝાવવા માટે સ્પે. હાઈર્ડોલીક પ્લેટફોર્મ ગાડી જ નથી. ઉપરથી હજુ સુધી આ મશીન જ ફાળવ્યું નથી. આ મશીન હોય તો અમે પણ મોટી ઇમારતોમાં આગ બુઝાવી શકીએ. પણ આ મશીન ન હોવાથી ઇમારતોમાં આગ લાગે તો રાજકોટ ઉપર જ આધાર રાખવો પડે એમ છે. મોરબી ભૂકંપ ઝોનમાં આવતું હોવાથી ચાર માળની બિલ્ડીંગ બનાવવાની જ મંજૂરી છે. છતાં વર્ષોથી સાત આઠ માળની મસમોટી ઇમારતોનું મોરબીમાં જંગલ ખડકાઈ ગયું હોય એવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં આવી ગેરકાયદે બિલ્ડીંગો જોવા મળે છે. રવાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં આવી મસમોટી ઇમારતોની ભરમાર છે. ઘણી ઇમારતો એટલી નજીક નજીક હોવાથી ફાયર ફાયટર પણ અંદર જઈ શકે એમ નથી. નીતિ નિયમોને નેવે મૂકી રાજકીય ઓથ હેઠળ બિલ્ડર લોબી વધુને વધુ જોખમી ઇમારતો ખડકી રહ્યા છે. ચાર માળની મંજૂરી છતાં આટલી બધી ઇમારતો ખડકાઈ અને કાર્યવાહી કેમ ન થઈ તે અંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને અધિક કલકેટર એન.કે. મૂછાર કહે છે કે, ઓનલાઈન લોગીગ હજુ એક્ટિવિટ કરાયું નથી અને પોતે હજુ પાલિકાના ચાર્જમાં હોય કેટલી બહુમાળી ઇમારતો છે એના વિશે તેઓ અજાણ છે. એટલે હાઈરાઈઝ બિલ્ડીંગો સામે જે કાર્યવાહી કરવાની થશે એ નવા નિમણૂક થયા બાદ જે તે ચીફ ઓફિસર કરશે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવાની પ્રબળ માંગ ઉઠતા સરકારે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળે છે. પણ આ નવું ફાયર સ્ટેશન ક્યારે બનશે એ નક્કી નથી. કારણ કે સરકારે મોરબીની ફાયર સુવિધા આપવામાં ભારે વિલંબ કર્યો હોવાથી આ સુવિધા ક્યારે સાકાર થશે તે અંગે કઈ કહી શકાય એમ નથી. મોરબી સીરામીક ઉધોગના પ્રમુખ મુકેશ કુંડારિયાએ કહ્યું હતું કે, મોરબીના સામાકાઠા વિસ્તારમાં કુબેર ચોકડીથી નેશનલ હાઇવે ઉપર છેક માટેલ સુધી મોટાભાગના સીરામીક એકમો તેમજ અન્ય ઉધોગો પણ કાર્યરત છે. ત્યારે ઉધોગોમાં આગ લાગે તો મોરબી શહેરમાં રહેલા ફાયર બ્રિગેડને પહોંચતા વાર લાગે છે ત્યાં સુધીમાં ઉધોગોમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. ત્યારે સામાકાંઠા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બને તો ઉધોગોમાં આગ લાગે ત્યારે ઝડપથી પહોંચીને મોટું નુકસાન અટકાવી શકાય એમ છે. એટલે સરકાર જલ્દી સામાકાંઠા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવે તે જરૂરી છે.