લસણ-ડુંગળીના વાવેતરમાં ઘટાડો : મોરબી જિલ્લામાં ગતવર્ષની તુલનાએ વરિયાળીનું બમણું વાવેતર મોરબી : મોરબી જિલ્લામાં ધીમે-ધીમે કપાસનું વાવેતર ઉપાડી રવિ સિઝનનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે ત્યારે ચણા અને જીરૂનું વાવેતર દિવાળી સુધી મોખરે રહ્યા બાદ હવે ઘઉંના વાવેતરે ચણા અને જીરૂના વાવેતરને પાછળ છોડી દીધું છે. તા.16 ડિસેમ્બર 2022ની સ્થિતિએ મોરબી જિલ્લામાં 1,17,845 હેકટર જમીનમાં રવિ વાવેતર પૂર્ણ થયું છે જેમાં 32095 હેક્ટરમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થયું છે. મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીના સત્તાવાર આંકડામાં જણાવ્યા મુજબ 16 ડિસેમ્બર 2022ના છેલ્લા રિપોર્ટ મુજબ મોરબી જિલ્લામાં 32095 હેક્ટરમાં ઘઉં, 26510 હેક્ટરમાં ચણા, 9068 હેક્ટરમાં રાય, 26022 હેક્ટરમાં જીરૂ, 7510 હેક્ટરમાં ધાણા, 1739 હેક્ટરમાં લસણ, 4685 હેક્ટરમાં વરિયાળી, 1919 હેક્ટરમાં ડુંગળી, 1075 હેક્ટરમાં શાકભાજી અને 7415 હેક્ટરમાં ઘાસચારાનું વાવતેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ની રવિ સીઝનમાં હજુ પણ વાવેતર વિસ્તારમાં વધારો થાય તેમ હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે, પિયતની સુવિધા ધરાવતા મોરબી જિલ્લાના હળવદ તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાં પણ કપાસના વાવેતર ઉપાડી હજુ પણ ખેડૂતો રવિ સીઝનના વાવેતર કરી રહ્યા છે. મહત્વની બાબત છે કે ગત સીઝનમાં ડુંગળી અને લસણના ધાર્યા ભાવ અને ઉતારા ન આવતા આ વર્ષે ખેડૂતો લસણ અને ડુંગળીના વાવેતરથી વિમુખ થતા બન્ને જણસીના વાવેતરમાં અડધો અડધ ઘટાડો થયો હોવાનું આંકડાઓ ઉપરથી ફલિત થઇ રહ્યું છે.