2016માં ખેડૂત પર બોલેરો ચડાવી હત્યા કરવાના કેસમાં મોરબી સ્પે.એટ્રોસીટી કોર્ટનો ચુકાદો, એક આરોપી નિર્દોષ જાહેર મોરબી : હળવદના ઘનશ્યામપુર ગામમાં વર્ષ 2016માં જમીન પચાવી પાડવા માટે ખેડૂતની માથે બોલેરો કાર ચડાવીને ત્રણ શખ્સોએ કરપીણ હત્યા કર્યાના કેસમાં સ્પે. મોરબી મોરબી સ્પે.એટ્રોસીટી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ખૂન કેસમાં કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવી બન્નેને આજીવન કેદની સજા ફટકારી છે.જ્યારે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ હત્યા કેસની વિગત એવી છે કે, હળવદના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી પોતાની જમીન પર કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના પરિવારના સભ્યો ગત તા.31/5/2016 ના રોજ ખેતીકામ કરતા હતા. ત્યારે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજા અને ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાએ અગાઉ કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના ભાઈ સહિતનાને જમીન ખાલી કરવાની ધમકી આપી હોય અને આ જમીન ખાલી ન કરતા કિશોરભાઈ રાઠોડની જમીન પચાવી પડવા માટે આરોપીઓ બોલેરો ગાડી લઈને આવી ત્યાં ખેતીકામ કરતા કિશોરભાઈ તેંમજ તેમના ભાઈ નટુભાઈ સહિતના સભ્યો ઉપર બોલેરો ગાડી ચડાવી મારી નાખવાની કોશિશ કરતા ગંભીર ઇજા થવાથી કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. આથી મૃતકના નાનાભાઈ નટુભાઈ વાલજી રાઠોડે જે તે સમયે ત્રણેય આરોપીઓ સામે પોતાના મોટાભાગની હત્યા કરીને અન્યોને મારી નાખવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી આ બનાવના પુરાવા સહિત સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ હત્યા કેસ આજે મોરબી સ્પે.એટ્રોસીટી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને 22 મૌખિક પુરાવા અને 38 દસ્તાવેજી પુરવાને ધ્યાને લઇ કોર્ટે બે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજાને દોષિત ઠેરવી બન્ને આજીવન કેદ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જ્યારે ત્રીજા આરોપી ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.