દલવાડી યુવાને વ્યાજ સહિત નાણા પરત આપવા છતાં પઠાણી ઉઘરાણી મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર રહેતા દલવાડી યુવાને વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત આપી દીધા હોવા છતાં બે વ્યાજખાઉં શખ્સોએ યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી પટ્ટાવડે ફટકારી ગળા ઉપર છરી મૂકી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વ્યાજંકવાદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર મેઘાણીની વાડી વિસ્તારમાં રહેતા નીતિનભાઈ ભગવાનજીભાઈ ડાભીએ વ્યાજ વટાવનો ધંધો કરતા વિમલ નટુ પરમાર રહે. ન્યુ એરા સ્કૂલ સામે, બુટાની વાડી અને ભોલુ જારીયા, રહે. રવાપર વાળા શખ્સ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા જે વ્યાજ સહિત પરત આપી દીધા હોવા છતાં આરોપીઓએ વધુ પૈસા પડાવવાના આશયથી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. વધુમાં વ્યાજે પૈસા આપનાર બન્ને શખ્સોએ નીતિનભાઈ ડાભીને ઢીકા પાટુનો માર મારવાની સાથે પટ્ટાવડે ફટકારી ગળા ઉપર છરી રાખી પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે નીતિનભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ ૩૮૭,૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.