અજાણી યુવતીને લગ્ન કરવા મેસેજ કરતા આઇટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં છેલ્લા બે વર્ષથી પતિથી નારાજ થયેલી રિસામણે બેઠેલી પત્નીએ પતિના નામના જીઓ સીમકાર્ડનો ઉપયોગ કરી બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી એક યુવતીને લગ્ન કરવા મેસેજ કરતા આ મામલે પતિની ફરિયાદને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ આઇટી એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીની સુપર ટોકીઝ પાછળ મહેન્દ્રનગર શેરી નંબર -1માં રહેતા જીગર ચુનીલાલ રાઠોડના લગ્ન મૂળ રાજકોટ ગોકુલધામ પાસે ઉમિયાચોક આરએમસી ફ્લેટમાં રહેતી અને હાલ મોરબી - માધાપર બાયપાસ નજીક રેલનગર રાજકોટ ખાતે રહેતી હિના અનિલભાઈ ગોહેલ સાથે થયા હતા પરંતુ બે વર્ષથી હીના રિસામણે ચાલી ગઈ છે. વધુમાં રિસામણે બેઠેલી હિનાએ પતિ જિગરને હેરાન પરેશાન કરવા જીગરના નામનું જીઓ કાર્ડ કઢાવી આ કાર્ડ મારફતે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી પાયલ સાવલિયા નામની યુવતીને મેસેજ કરી લગ્ન કરી લેવા જણાવી જીગર તેમજ પાયલને હેરાન પરેશાન કરતા જીગર રાઠોડે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિના વિરુદ્ધ ઇન્ફરમેશન ટેકનોલોજી એકટની કલમ 66 ડી મુજબ હિના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.