ડબલ ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન બીમારીઓ વધી મોરબી : મોરબીમાં મિશ્ર ઋતુને કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. ખાસ કરીને માગશર મહિનામાં કડકડતી ટાઢ પડતી હોય છે એના બદલે અત્યારે માગશર મહિનો ચાલતો હોવા છતાં ઠંડી મેં ગરમી કા અહેસાસ થઈ રહ્યો છે. એકમાત્ર સવારે થોડી ઘણી ઠંડીનો અહેસાસ થાય છે. બાકી આખો દિવસ ઉનાળા જેવું વાતાવરણ રહે છે. મોરબીમાં માગશર મહિનાની શરૂઆતમાં ઠંડીમાં ચમક આવી હતી. લોકો ગરમ વસ્ત્રો પણ પહેરવા લાગ્યા હતા. પણ માગશર મહિનો અત્યારે મધ્યાહને પહોંચ્યો હોવા છતાં ઠંડીને બદલે દિવસભર ગરમી રહેતા લોકો હજુ પણ પંખા અને એસીમાં રહેવા મજબૂર બન્યા છે. મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ ઇન્ફેક્શન બીમારીઓ વધી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં અગાઉ કરતા 20 ટકા દર્દીઓનો વધારો થયો છે. અગાઉ દરરોજ સિવિલમાં 40 જેટલા કેસ આવતા હવે એમાં વધીને તાવ, શરદી, ઉઘરસના 50થી 60 કેસ આવે છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં તો આના કરતાં પણ ડબલગણા કેસ આવે છે. એક ખાનગી તબીબના જણાવ્યા મુજબ નાનામાં નાના કિલનીકમાં તાવ શરદી ઉધરસના દરરોજ 20 જેટલા કેસ આવે છે. આમ તો આ બીમારીઓ સામાન્ય છે. પણ હવે ઠડી પડવાની જરૂર છે. જેમ જેમ ઠડી વધશે તેમ તેમ બીમારીઓ આપોઆપ ભાગી જશે.