કમલાપાર્કમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.87 લાખના દાગીના અને રોકડ ઉઠાવી ગયા મોરબી : મોરબીની કમલાપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર પોતાનું ઘર બંધ કરી બાળકના સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા જતા પાછળથી બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા 25 હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.87 લાખની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.17ના રોજ મોરબીની કમલાપાર્ક સોસાયટીમાં રહેતા રજનીકાંતભાઈ ત્રિભોવનભાઈ ભોરણિયા પોતાના નાલંદા સ્કૂલમાં ભણતા પુત્રના શાળાના વાર્ષિક કાર્યક્રમમાં પરિવાર સાથે મકાન બંધ કરી ને ગયા હતા એ સમયે અજાણ્યા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. વધુમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી સોનાનું મંગળસૂત્ર, બ્રેસલેટ, વીંટી, સહિત 1,62,500ના દાગીના તેમજ રોકડા રૂપિયા 25 હજાર મળી કુલ રૂપિયા 1,87,500ની ચોરી કરી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.