મોરબીઃ વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાં રસ રુચિ વધે તથા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે 'ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન'નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ આપવામાં આવેલ હતા, જે અનુસંધાને તારીખ 17 ડિસેમ્બર ને શનિવારે સી.એન. પટેલ વિદ્યાલય, ઘુંટુ ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકૂલ, મોરબીના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ ૨૮ કૃતિઓ ૫૬ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં 2 નિવૃત શિક્ષકો પી.એમ વિરમગામા અને નરભેરામભાઈ ઠોરીયાએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. આ પ્રદર્શન નિહાળવા અલગ અલગ સ્કૂલના અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ આવ્યા હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઘૂંટુ ગામના અગ્રણીઓ સરપંચ, સ્કૂલના ટ્રસ્ટીઓ વગેરે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડીઈઓ એન.વી. રાણીપા, ડીપીઈઓ પ્રવીણભાઈ અંબારીયા તથા એ. ઇ. આઈ. અને લાઈઝન ફાલ્ગુનીબેન ગોસ્વામી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય વનીતાબેન ધોરિયાણી દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન S V S કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામા દ્વારા કરવામાં આવ્યું હતું.