સીરામીક ઉધોગ માટે આધુનિક લેબ, ઘડિયાળ ઉધોગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાસ્ટિક અને પેપરમિલ માટે નવી આર્થિક નીતિઓ તેમજ નળિયા ઉધોગને પૂરતા પ્રમાણમાં કોલસાની જરૂર મોરબી : સીરામીક સહિતના ઉધોગોને કારણે વિશ્વભરમાં ઉધોગનગરી તરીકે જાણીતા મોરબીમાં હાલ ઉધોગોની માઠી દશા છે. સીરામીક સહિતના તમામ ઉધોગમાં ભયકર મંદી છે. સીરામીકનું એક્સપોર્ટ તો સ્ટેબલ છે. પણ ડોમેસ્ટિક માર્કેટમાં કોઈ ડિમાન્ડ જ નથી. આવી જ હાલત બીજા નંબરના ઘડિયાળ ઉધોગની છે. ઘડિયાળ ઉધોગમાં હાલ કોઈ ડિમાન્ડ જ નથી. આ ઉધોગની બેઝિક જરૂરિયાત ક્યારેય પુરી થઈ નથી. તેમજ પેપર અને પ્લાસ્ટિક ઉધોગ પણ મંદીનો શિકાર છે. આ ઉધોગોને મંદીમાં ટકી રહેવા માટે સરકાર પાસેથી આર્થિક ઉદારકારણની નિતીની અપેક્ષા છે. ત્યારે નવી સરકાર પાસે મોરબીના આ બધા ઉધોગની કઈ કઈ અપેક્ષા છે તે તેમના શબ્દોમાં જ જાણીએ... સીરામીક ઉધોગને આધુનિક લેબ માટે સરકાર પાસે જગ્યાની અપેક્ષા છે. મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વિશ્વનો બીજા નંબરનો મોરબીનો સીરામીક ઉધોગ 60 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે આધુનિક લેબ. ટેકનોલોજીની ખાસ જરૂર છે. આથી સીરામીક ઉધોગ માટે એક જ ક્લસ્ટરની ઓફીસ તેમજ આધુનિક લેબ. સંકુલ બનાવવા માટે સરકાર પાસે જગ્યાની માંગ કરી રહ્યા છીએ.ઇન્ટરનલ રોડ, પાણી સહિતની માળખાગત સુવિધાઓની પણ અપેક્ષા છે. જો કે હાલ સીરામીક ઉધોગનું એક્સપોર્ટ માર્કેટ તો સ્ટેબલ સ્થિતિમાં છે. પણ ડોમેસ્ટિક માર્કેટમાં ટાઇલ્સની બિલકુલ માંગ નથી. સીરામીકનો બેઝિક આધાર જ આ ડોમેસ્ટિક માર્કેટ છે. એના આધારે ઉધોગ ટકતો હોય પણ એમાં હાલ મંદી છે. જો કે મુખ્ય ઈંધણ ગણતા ગેસમાં સરકારે હમણાં રૂ.5નો ઘટાડો કર્યો છે. પણ છેલ્લા એક વર્ષના ગેસના ભાવ રૂ.27માંથી રૂ 77.65 થઈ ગયા છે એટલે આ ગેસનો ભાવ ધટાડો નજીવો છે. બીજી તરફ ગુજરાત ગેસના ભાવ પ્રોપેન ગેસ કરતા ઘણા ઉંચા હોય ગેસના ભાવ ઘટાડો કરવાની ખૂબ જરૂર છે. મોરબી કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી કહે છે. મોટાભાગનો ઘડિયાળ ઉદ્યોગ અને નાના મોટા એની સાથે ગીફ્ટ આર્ટિકલ સહિતના લઘુ ઉધોગો વર્ષોથી લાતી પ્લોટમાં સ્થાયી છે જો કે ઘડિયાળના મોટા ઉધોગ ગૃહો તો વહેલા સુવિધાના અભાવે અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે.હવે ઘડિયાળ સહિતના ઘણા નાના નાના ઉધોગો મૂડીના અભાવે વર્ષોથી લાતી પ્લોટમાં ખરાબ હાલત વચ્ચે કાર્યરત છે. રોડ રસ્તા, પાણી, મહિલાઓ માટે અલગ મૂળભૂત સુવિધાઓ વર્ષોથી નથી. એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ અમારી મુખ્ય અપેક્ષા છે. જો કે હમણાં થોડા સમય અગાઉ લાતીપ્લોટમાં રોડ રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર થઈ છે. પણ એનું વહેલીતકે અમલીકરણ થાય તો ચોમાસામાં વર્ષોની પીડામાં રાહત થાય એમ છે. હાલ ઘડિયાળ ઉધોગ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે ઘડિયાળ ઉધોગની હાલ કોઈ ડિમાન્ડ જ નથી એટલે બજેટમાં સરકાર ઘડિયાળના નાના નાના ઉધોગ માટે સારી આર્થિક નીતિ જાહેર કરે તેવી અપેક્ષા છે. ખાસ કરીને ઘડિયાળ ઉધોગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ જરૂરી છે. મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, મોરબી આજુબાજુના વિસ્તારમાં પેપર મિલના 70 કારખાના છે. પણ હાલ સ્થિતિ મંદી જેવી છે. હાલ પેપર ઉધોગનું એક્સપોર્ટ માર્કેટ એકદમ ઠંડુ છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ મંદી છે એટલે એક્સપોર્ટ માર્કેટમાં ટકી રહેવા માટે આર્થિક ઉદારીકરણની નિતીની જરૂર છે. વચ્ચે કાચા માલની શોર્ટજ હતી તે દૂર થઈ ગઈ છે. કાચો માલ જોઈ એટલો મળે પણ બજારમાં ડિમાન્ડ જ નથી. આ ઇન્ડસ્ટ્રીઝને ઓક્ઝિજન મળે તે માટે સરકાર સહાય આપે અને ઘણા દેશોમાં અમારો માલ જતો ન હોય તો એના માટે સરકાર ખાસ નીતિ બનાવી પેપર ઉધોગનું એક્સપોર્ટ વધારે તેવી અપેક્ષા છે. પ્લાસ્ટિક એટલે પોલીપેક ઉધોગના જગદીશભાઈએ જણાવ્યું હતું કે, હાલ ગવર્મેન્ટ તરફથી કોઈ પ્રોબ્લેમ નથી.પણ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટસમાં હાલ મંદી છે. જેમાં પ્રોડકશન વધી ગયું છે એની સામે પ્લાસ્ટિકની ડિમાન્ડ સાવ ઘટીને તળિયે પહોંચી ગઈ છે. બિઝનેશને લગતા નાના મોટા ઇસ્યુ પણ છે. એક્સપોર્ટ ઘટી ગયું છે.સરકારે ઓક્ટોબર 2022માં નવો જીઆર આપ્યો છે.સ્ટેટ જીએસટીની સ્કીમ છે. એટલે આ ઉધોગ માટે સ્ટેટ જીએસટીની પોલિસી અસરકારક બનાવે તેવી અપેક્ષા છે. નળિયા ઉધોગના પંકજભાઇ વારનેશિયાએ જણાવ્યું હતું કે, પહેલા મોરબીની ઓળખ ગણાતો નળિયા ઉધોગના મોરબીમાં 200થી વધુ કારનાના હતા. 1990 પહેલા આ ઉધોગનો સુવર્ણકાળ હતો.પણ હવે આ ઉધોગ મરવા પડ્યો છે. હાલ 33 જેટલા યુનિટ બચ્યા છે. જો કે હવે નવી નવી ડેકોરેટિવ આઈટમ બનાવીએ છીએ પણ મુખ્ય અમારે આ ઉધોગના ઈઘણ રૂપે જે કોલસો વપરાય છે તે કચ્છના પાંધ્રોમાંથી આવતો હોય એ કોલસોની ગુણવત્તા ખૂબ સારી હોય નળિયા ઉધોગમાં ફક્ત એ જ કોલસો જ વપરાય છે. બીજો કોલસો ચાલે એમ નથી.પણ કચ્છથી ડિમાન્ડ પ્રમાણે કોલસો આવતો જ નથી.એના કારણે વચ્ચે એક મહિનો કારખાના બંધ રાખવા પડ્યા છે. એટલે ઓક્સિજન પર રહેલા આ ઉધોગનો ટકાવવો હોય તો સરકાર કોલસો પૂરતા પ્રમાણમાં આપે તે જરૂરી છે.