જિલ્લામાં લાખોની સંખ્યામાં શ્રમિકો કામ કરતા હોવા છતાં માત્ર 7 હજાર કામદારોને જ લાભ મળે છે મોરબી : મોરબી જિલ્લામાંસીરામીક, પેપરમીલ, પોલીપેક સહિતના ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં કામદારો કામ કરતાં હોય તેઓને (ESIS) કામદાર વિમા યોજનાનો લાભ મળી રહે તે માટે મજૂર આગેવાન તેમજ સામાજિક કાર્યકર કિશોરભાઈ પટેલે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. કિશોરભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં ગ્લેઝ ટાઈલ્સ, સિરામીક, પેપરમીલ તેમજ ઘડીયાલ અને ઈલેક્ટ્રીક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ઘણા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. હાલ મોરબી શહેરની આસપાસ માત્ર 601 કારખાનાને (ESIS) કામદાર વિમા યોજનાનો લાભ આપવામાં આવે છે અને આશરે 7000 કામદારોને આ યોજનાનો લાભ મળે છે. પરંતુ મોરબીની આસપાસ 20 કિલોમીટરના દાયરામાં આવતા 1500 જેટલા કારખાનામાં કામ કરતાં કામદારોને આ યોજનાનો લાભ મળતો નથી. તેથી આ અંગે રિજયોનલ ડાયરેક્ટર અમદાવાદને જાણ કરીને તાકીદે સર્વે કરાવવામાં આવે અને દરેક કામદારોને આ યોજનાનો લાભ મળે તે માટે સેવાનો વ્યાપ વધારવામાં આવે તેવી લેખિત રજૂઆત કરાઈ છે.