ધી કો - ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટના બ્રાન્ચ ઇન્ચાર્જ દ્વારા કોર્ટમા ફરિયાદ કરાયા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામે આવેલ અંકલ સિરામિક ફેકટરીના ભાગીદારો દ્વારા ધી - કો ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડની મોરબી બ્રાન્ચમાંથી 5.88 કરોડની લોન મેળવ્યા બાદ 3.10 કરોડની મશીનરી બેંકની જાણ બહાર સગેવગે કરી નાખતા આ મામલે મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ થયા બાદ કોર્ટના હુકમ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અંકલ સીરામીકના ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગતો મુજબ ધી કો - ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડની મોરબી બ્રાન્ચમાંથી અંકલ સિરામિક પ્રાઇવેટ લીમીટેડના ભાગીદાર નિરવભાઇ રતિલાલ ભોરણીયા, રહે.સાગર ગોપાલ સોસાયટી, મહેંદ્રનગર રોડ, મોરબી, ઓધવજીભાઇ વેલજીભાઇ ભોરણીયા રહે. ચૈતન્ય શક્તિનગર-4, કાલાવાડ રોડ, રાજકોટ શહેર સહિતનાઓએ ઇન્ડસ્ટ્રીયલ લોન, કેશ ક્રેડિટ લોન તેમજ મશીનરી લોન સહિત કુલ રૂપિયા 5.88 કરોડની લોન વર્ષ 2020મા મેળવી હતી. જે બાદ બેંકની જાણ બહાર અંકલ સિરામિકના ભાગીદારોએ બારોબાર મશીનરી લોન પેટે ખરીદેલ 3.10 કરોડ રૂપિયાની મશીનરી સગેવગે કરી નાખી હોવાનું બેંકના ધ્યાને આવ્યું હતું. દરમિયાન ધી કો - ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડના બ્રાન્ચ ઇન્ચાર્જ પ્રતિકભાઇ દિનેશભાઇ ગુજરાતી, રહે-યોગી નિવાસ બ્લોક નં-199 એરોડ્રામ રોડ, ખોડીયાર કોલોની, જામનગરના ધ્યાન ઉપર આ બાબત આવતા તેઓએ નામદાર મોરબી કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટના આદેશ અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અંકલ સિરામિકના ભાગીદારો વિરુદ્ધ બેન્ક સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરવા સબબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.