બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી ટપોરીને ઝડપી લઈ રોમિયોગીરીનું ભૂત ઉતારી નાખ્યું મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરેથી સ્કૂલે જવા નીકળતી વિદ્યાર્થીનીનો પીછો કરી રોજ પજવણી કરતો રોડ રોમિયો ઘરાર સબંધ બાંધવા સતામણી કરતો હોવાની આપવીતી પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સમક્ષ જણાવતા તુરંત એક્શનમાં આવેલી પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટ મુજબ ગુન્હો નોંધી ટપોરીને ઝડપી લઈ રોમિયોગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું. મોરબીના બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ દેકાવડીયાએ આ બનાવની માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે રહેતી એક સગીર વયની દિકરી નિયમિત ઘરેથી સ્કૂલે જવા નીકળે ત્યારે ત્યાંજ સર્કિર્ટ હાઉસ પાસે રહેતો રોડ રોમિયો અલ્તાફ દિલાવર જેડા આ સગીરાનો પીછો કરીને ઘરાર ફ્રેન્ડશીપ બાંધવા દબાણ કરતો હતો. દરરોજ આ શખ્સ તેનો પીછો કરીને ધરાર સબંધ બાંધવા પજવણી કરતો હોવાથી રોજરોજની આ સતામણીથી કંટાળી ગયેલી સગીરાએ તેના મમ્મીને આ બાબતની જાણ કરી હતી. આથી તેની માતાએ પોતાની દીકરીની પજવણી કરતા આરોપી અલ્તાફ દિલાવર જેડા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ગંભીરતા જોઈ સીટી બી ડિવિઝન પોલીસે દાખલા રૂપ કામગીરી કરી પોકસો એકટની ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી તુરત જ આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.