મોરબીમાં નેચરલ ગેસ સામે અદાણી ગેસની સપ્લાય શરૂ થતા જ ગુજરાત ગેસે ભાવમાં ઘટાડાનો નિર્ણય કર્યો મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગને મોનોપોલીથી નેચરલ ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની સામે અદાણી દ્વારા એલપીજી અને પ્રોપેન ગેસની સપ્લાય શરૂ કરતા જ સીધી અસર પડી હોય તેમ નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 5નો ઘટાડો કરાયો છે. જો કે, સતાવાર રીતે હજુ સુધી ભાવ ઘટાડો અમલી નથી બનાવાયો પરંતુ સીરામીક ઉદ્યોગ સંગઠનને ભાવ ઘટાડાની જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઉદ્યોગ એક સમયે દૈનિક 75 લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસનો વપરાશ કરતો હતું પરંતુ ઓગસ્ટ 2021 બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો અમલી બનાવવામાં આવતા સીરામીક ઉદ્યોગ ગેસના ભાવ વધારાને કારણે મંદીમા ગરક થઈ ગયો છે. બીજી તરફ સીરામીક ઉધોગે સસ્તા ઇંધણના વિકલ્પની શોધ ચાલુ કરી એલપીજી અને પ્રોપેન ગેસ અપનાવતા છેલ્લે અદાણી જેવી જાયન્ટ કંપનીએ મોરબીમાં ગેસ સપ્લાય ચાલુ કરતા જ ગુજરાત ગેસ કંપનીને રેલો આવતા તાત્કાલિક અસરથી રૂપિયા 5નો ભાવ ધટાડો અમલી કરવા નક્કી કર્યું છે. બીજી તરફ મોરબીમાં અદાણી પોર્ટ મુન્દ્રાથી રૂપિયા 58ના ભાવે એલપીજી ગેસ બલ્ક કન્ટેનર ગેસની સપ્લાય ચાલુ કરતા મોરબીના સીરામીક ઉદ્યોગકારો પૈકી 300 જેટલા કારખાનાઓ હાલમાં એલપીજી ગેસથી ધમધમતા થયા છે અને હજુ 70 જેટલા કારખાનાઓમાં એલપીજી પ્લાન્ટ ફિટ થવા લાગતા ગુજરાત ગેસની દૈનિક સપ્લાય ઘટીને હાલમાં 20થી 25 લાખ ક્યુબીક મીટર સુધી પહોંચી જતા ગુજરાત ગેસ કંપનીએ તાત્કાલિક અસરથી રૂપિયા 5 નો ભાવ ધટાડો કરાશે તેવા મેસેજ સીરામીક ઉદ્યોગ સંગઠન સુધી પહોંચતા કર્યા છે. દરમિયાન મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા 5નો ભાવ ધટાડો કરવા જાણ કરી છે. જો કે હજુ ભાવ ઘટાડા અંગે સતાવાર લેખિત જાણ કરવામાં આવી ન હોવાનું તેમને જણાવ્યું હતું. જો કે, એક વાત તો નક્કી છે કે, વિધાનસભા ચૂંટણીમાં મોરબી સીરામીક ઉદ્યોગ દ્વારા હળવદ, મોરબી, માળીયા અને ટંકારા બેઠક ઉપર ભાજપની જીત માટે અથાગ પ્રયત્નો કરતા સરકાર તરફથી સિરામિક ઉદ્યોગને રિટર્ન ગિફ્ટ રૂપે ભાવ ઘટાડાની ભેટ ધરી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે.