હાઇકોર્ટની કડક ટકોરને પગલે હવે મોરબી નગરપાલિકા સુપરસીડ થવાના ભણકારા મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનાને દોઢેક માસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ ઝૂલતા પુલનું સંચાલન કરનાર ઓરેવા કંપનીના માલિક સુધી પહોંચવામાં તપાસનીશ એજન્સી ટૂંકી પડી છે ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થવાની સાથે આગામી 12મીએ હાઇકોર્ટની તારીખ હોય નગરપાલિકા સુપરસીડ થવાની સાથે અન્ય કડક પગલા લેવામાં આવે તેવા અણસારો જોવા મળી રહ્યા છે. મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તપાસ માટે સીટની રચના કરાયા બાદ ઝૂલતા પુલનું રીનોવેશન, જાળવણી અને સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના માલિક વિરુદ્ધ ફરિયાદ તો ઠીક નિવેદન લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી નથી ત્યારે આ ગંભીર દુર્ઘટના બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટ દાખલ કરી સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારને આકરી ફટકાર લગાડવામાં આવતા નિમ્ભર નગરપાલિકા તંત્ર દ્વારા સોગંદનામું રજૂ કરી મંજૂરી વગર અને ટેક્નિકલ ઇન્સ્પેકશન વગર ઉતાવળે પુલ શરૂ કરી દેનારી અજંતા ઓરેવા કંપનીની બેદરકારીને પગલે આ દુર્ઘટના ઘટી હોવાનું કોર્ટ સમક્ષ કબુલ્યું છે. બીજી તરફ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને પણ કડક ફટકાર લગાવી કરાર પૂર્ણ થવા છતાં અજંતા ઓરેવાને ઝૂલતા પુલનું સંચાલન સોંપનાર નગરપાલિકાના જવાબદાર અધિકારી તેમજ સમગ્ર બોડી વિરુદ્ધ શુ કાર્યવાહી કરવામાં આવી અને સરકારને મળેલી સતાની રુએ નગરપાલિકાને સુપરસીડ કેમ ન કરી જેવા આકરા સવાલો પૂછયા હતા. જો કે સરકાર અને સરકારના અધિકારીઓ ચૂંટણીમા વ્યસ્ત રહેતા ઝૂલતા પુલની ગંભીર દુર્ઘટનાનો મુદ્દો હાંસિયામાં ધકેલાઈ ગયો હતો. પરંતુ હવે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ આગામી તા.12 ડિસેમ્બરના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોય સુનાવણી પૂર્વે જ નવાજુની થવાના સંકેતો વચ્ચે મોરબીની ચૂંટાયેલી પાંખને ઘરભેગી કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે મોરબી પાલિકા દ્વારા અજંતા ઓરેવા કંપની સાથે ઝૂલતા પુલ સંચાલન જાળવણીના કરાર પૂર્ણ થવા છતાં નવો કરાર કરી સમાન્યસભામાં આ ઠરાવ પસાર કરવાની તસ્દી લેવામાં આવી ન હતી અને માત્ર દોઢ પન્નાના ઉભડક મામુલી કરાર કરી નગરપાલિકાએ લોકોનો જીવ જાય તેવી બેદરકારી દાખવી હોય પાલિકાના બહુમત સભ્યોએ હાઇકોર્ટમાં ચાલતા સુઓમોટો કેસમાં વકીલ રોકવા જેવી બાબત માં પણ સહી ન કરતા ટૂંક સમયમાં કડાકા ભડાકા થવાના અણસાર મળી રહ્યા છે.