મોરબી કલેકટર દ્વારા તૃણમૂલ કોંગ્રેસ પ્રવકતા સાકેત ગોખલે અને દક્ષ પટેલ વિરુદ્ધ કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કરાયો મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ વડાપ્રધાનની મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના ફેક ન્યુઝ તેમજ આરટીઆઇમાં આવી વિગતો બહાર આવી હોવાનું ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરનાર તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા એવા બંગાળી બાબુ વિરુદ્ધ જિલ્લા કલેકટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં જિલ્લા કલેકટર તંત્રની ખોટી રીતે બદનામી કરવામાં આવી હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટર દ્વારા તૃણમૂલ કોંગ્રેસના પ્રવકતા સાકેત ગોખલે અને દક્ષ પટેલ વિરુદ્ધ આઇપીસી કલમ 500 અને 501 મુજબ બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે. નોંધનીય છે કે આ અગાઉ બંગાળી બાબુ એવા તૃણમૂલ કોંગ્રેસ પ્રવકતા સાકેત ગોખલે વિરુદ્ધ અમદાવાદમાં સાયબર ક્રાઇમ એકટ મુજબ તેમજ મોરબીમાં લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ફરિયાદ બાદ બદનક્ષીની વધુ એક ફરિયાદ દાખલ થતા એક ટ્વીટ કરવા બદલ બંગાળી બાબુની મુશ્કેલીઓ વધવા પામી છે.