મોરબીઃ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા રફાળેશ્વર પ્રાથમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર દર્શાવીને સમજાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રફાલેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય ગુપ્તા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના સી.એચ.ઓ. મકસુદભાઈ સૈયદ, એફ.એચ.ડબલ્યુ સાહિસ્તા દેખાવાડીયા અને આશા વર્કર તેમજ શાળા એસ.એમ.સી.ના સભ્ય પુષ્પાબેન મકવાણાએ જહેમત ઉઠાવી હતી.