ચિક્કાર દારૂ ઢીચીને પોલીસ સ્ટેશન સામે જ સુઈ જતા કહેવાતી દારૂબંધી પોલ ઉઘાડી પડી વાંકાનેર : જાણીતી હિન્દી ફિલ્મ નસીબમાં અમિતાભ બચ્ચન દારૂ પીને ગીત ગાય છે કે, 'મુજ કો યારો માફ કરના મેં નશે મેં હું' એમ ચિક્કાર દારૂના નશા સ્થળ કાળનું ભાન રહેતું નથી.પણ ગાંધીના ગુજરાતમાં દારૂનું નામ લેવું પણ પાપ છે. અહીંયા દારૂબંધી હોવાથી આવા ખેલ કોઈ કાળે પરવડે એમ નથી. તેમ છતાં પણ વાંકાનેરમાં ખુદ પોલીસ સ્ટેશન સામે એક મહાશય એટલી હદે દારૂનો ચીકકાર નશો કરી બેઠા કે દારૂના નશામાં જ તેમને ઘેન ચડી ગયું હતું. જેમાં વાંકાનેરના પોલીસ સ્ટેશન સામે જ આ શખ્સ ચીકકાર દારૂ ઢીચીને સુઈ ગયો હોવાથી દારૂબંધી ધજાગરા થયા હતા. વાંકાનેરમાં દારૂબંધી માત્ર કહેવાતી હોવાનો પુરાવો સામે આવ્યો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ વાંકાનેરમાં છડેચોક દારૂ વેચાય અને ખુલ્લેઆમ પીવાય છે. પોલીસ દારૂબંધીનો કડક અમલ કરવાને બદલે ખિસ્સા ગરમ કરતી હોવાના પણ માછલા ઘોવાય છે.જો કે વાંકાનેરમાં દારૂનું દુષણ એટલું વધ્યું છે કે દારૂડિયા ગમે ત્યાં ચિક્કાર દારૂ ઢીચીને લથડીયા ખાઈને ઢળી પડે છે. પણ આજે તો એક દારૂડિયાએ હદ કરી નાખી હતી. જેમાં આ દારૂડિયો ક્યાંકથી એટલી હદે દારૂ ઢીચી લથડીયા ખાતો ખાતો નીકળ્યો અને જ્યાં ઢળી પડ્યો એ સ્થળની પણ એને ખબર ન રહી એ જ્યાં દારૂ ઢીચીને ઢળી પડ્યો એ સ્થળ વાંકાનેર પોલીસ સ્ટેશન સામેનું હતું. આથી લોકોને એકઠા જોઈને પોલીસ પણ પહોંચી હતી. અને આ રાજાપાઠમા રહેલા મહાશયને પોલીસે જીપમાં બેસાડીને લઈ ગઈ હતી.