મોરબીના બાદનપર ગામની ઘટનામાં ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબી તાલુકાના બાદનપર ગામે યુવાનને કૌટુંબિક ભાભી સાથે વાત કરતા જોઈ ગયેલા પરિણીતાના પતિ સહિતના ચાર આરોપીઓએ પ્રેમ સંબંધની શંકા રાખી પિતા, પુત્ર અને કાકાને લાકડાના ધોકા વડે ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ નજીક આવેલા બાદનપર ગામે રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઇ સાવરિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ રાત્રીના સમયે તેમના ખેતરે રખોલું કરવા ગયા હતા ત્યારે કૌટુંબિક ભાઈ એવા આરોપી જયેશ પરસોતમભાઈ સાવરિયા, કિશોર પરસોતમભાઈ સાવરિયા, રસિક બાબુલાલ સાવરિયા અને લાલા બાબુલાલ સાવરિયા નામના શખ્સ ધસી આવ્યા હતા અને ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરતા ફરિયાદી નરેન્દ્રભાઈ તેમના કાકા મનોજભાઈને માર મારી પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું તેમજ તેમના પિતા મોહનભાઇ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ લાકડા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વધુમાં ફરિયાદી નરેન્દ્રભાઈના નાનાભાઈ જ્યેશે આરોપી જયેશની પત્ની વૈશાલી સાથે ખેતરના શેઢે વાતો કરતો હતો ત્યારે વૈશાલીબેનનો પતિ જોઈ જતા પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી આ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાતા મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.