બન્ને આરોપીઓને અગાઉથી પકડી લીધા બાદ ઉલટ તપાસ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મોરબી : મોરબીના રવાપર ગામ નજીક રાત્રી સફાઈ કરતી આધેડ વયની મહિલા કર્મચારીને ધારીયું બતાવી કારમાં અપહરણ કરીને બે વાસનામાં અંધ બનેલા નબીરાઓએ મહિલા ઉપર અધમ કૃત્ય આચર્યા બાદ પોલીસે આ દુષ્કર્મ કેસના બન્ને નરાધમોને બનાવની ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા બાદ જરૂરી તમામ તપાસ કરીને બન્નેની આજે વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબીના રવાપર ગામ નજીક શુક્રવારે મધરાત્રે રાત્રી સફાઈ કરતા આશરે 55 વર્ષના મહિલા સફાઈ કર્મચારી ઉપર તેના પુત્રો જેવડી ઉમરના બે હવસખોર નબીરાઓ વાસનામાં અંધ બનીને ન કરવાનું કરી બેઠા હતા. જેમાં આ બે શખ્સો પોતાની કાર લઈને રાત્રી સફાઈ કરતી મહિલાને જોર જુલમીથી તેમજ ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ મોઢે ડૂમો દઈને બન્નેએ પાશવી દુષ્કૃત્ય આચર્યું હતું. એટલુ જ નહીં મહિલાને ઢોર માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવની ગંભીરતાથી લઈને એ ડિવિઝન પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે પીડિતાનું નિવેદન અને આરોપીઓના ફક્ત નામ જ હોય તાકીદે ફરિયાદ નોંધી એક્શનમાં આવી સીસીટીવી ફૂટેજ તેમજ કાર સહિતના આધારે આરોપીઓને ઓળખી કાઢી બનાવની ગણતરીની કલાકોમાં જ બન્ને નરાધમોને ઝડપી લઈ કડક હાથે પૂછપરછ અને યોગ્ય તપાસ બાદ આજે બન્ને બેનકાબ કર્યા હતા. જેમાં હેવાનીયતભર્યું દુષ્કર્મ કરનાર બે આરોપીઓ આશિષ હેમંતભાઈ આદ્રોજા (ઉ.વ.29, રહે રવાપર રોડ ગોલ્ડન વિવા મોરબી), પંકજ અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.21 રહે રવાપર બોની પાર્ક-મોરબી)ની આજે પોલીસે વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની મેડિકલ તપાસ સહિતના સજ્જડ પુરાવા એકત્ર કરશે. ત્યારે મહિલા સાથે દુષ્કર્મ કરનાર બન્ને નબીરા પર નફરતની આંધી ઉઠી છે.