લેખિત અરજી કરવા છતાં પોલીસે ઘટનાસ્થળે મુલાકાત ના લીધી મોરબી : મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે આવેલ એપોલો હોલમાં તસ્કરો ત્રાટકયા હતા અને કિંમતી માલ સમાનની ચોરી કરી ગયા હતા. આ બનાવની લેખિત અરજી કરવા છતાં પોલીસે ઘટનાસ્થળે મુલાકાત અને એફઆઈઆર ન લેતા ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને મોરબીના શનાળા બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે આવેલ એપોલો હોલના માલિક એરવાડિયા ચેતનભાઈ શાંતિલાલએ લેખિતમાં એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી કે, તેમના એપોલો હોલમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ હોલની દીવાલ કૂદી અંદર પ્રવેશી ઓફિસના દરવાજા તોડી તેની અંદર પ્રવેશી મોટો દલ્લો મેળવવા માલ સમાન વિખેર કરી નાખ્યો હતો અને હોલમાં પડેલી કિમતી વસ્તુઓની ચોરી કરી હોલમાં નુકશાન કરીને પોબારા ભણી ગયા હતા. જો કે લેખિત અરજીમાં તેમણે કુલ કેટલા મુદામાલની તસ્કરોએ ચોરી કરી તેનો ઉલ્લેખ કર્યો ન હતો. પણ તસ્કરો જે હાથ લાગ્યું તેની ચોરી કરી ગયા હતા. જો કે બનાવની લેખિત અરજી કર્યાને ખાસ્સો સમય વીતવા છતાં પોલીસે ઘટનાસ્થળે આવવાની કે એફઆઈઆર નોંધવાની તસ્દી ન લીધી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.