હળવદ : હળવદના સરા નાકે ફોનમાં ધમકી આપ્યા બાદ મોટર સાયકલ સાથે મોટર સાયકલ અથડાવી હવે ગામમાં દેખાયો તો મારી નાખીશ કહી યુવાન ઉપર માથાભારે ઇસમે હુમલો કરી માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની દિવ્યા પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ જુના દેવળીયા ગામના વિરમભાઈ શેખાભાઈ ક્લોતરા નામના યુવાનના ભાઈના મોબાઈલ ફોનમાં આરોપી માનસિંગ ઉર્ફે હગો વિહાભાઈ કોળી નામના શખ્સે જેમ ફાવે તેમ ગાળો આપતા વિરમભાઈએ ફોન કાપી નાખ્યો હતો. બાદમાં વિરમભાઈ પોતાની ગાડીનું રીપેરીંગ કામ ચાલુ હોય સરા ચોકડી તરફ જતા અહીં આરોપી માનસિંગ ઉર્ફે હગો વિહાભાઈ કોળીએ પાછળથી બાઈક અથડાવી વિરમભાઈને માથામાં પાવડાનો હાથો ફટકારી દેતા માથામાં દસ ટાંકા આવ્યા હતા. અને જતા જતા આરોપીએ હવે ગામમાં દેખાયો તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે વિરમભાઈ શેખાભાઈ ક્લોતરાએ આરોપી હગા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.