સીરામીક નગરી મોરબીની આગવી ઓળખ માટે મતદાન મથક તૈયાર કરાશે ખાસ મતદાન મથકમાં સીરામીક ઉધોગનો ખાસ ડિસ્પ્લે દ્વારા ઇતિહાસ પ્રસ્તુત કરાશે મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની ચૂંટણી માટે ખાસ અલગ અલગ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સખી મતદાન મથક, દિવ્યાંગ કર્મચારીઓ માટે મતદાન મથક, મોડેલ મતદાન મથક બાદ હવે દેશ અને દુનિયામાં જાણીતા સીરામીક ઉધોગના ખાસ કોન્સ્પેટ સાથે અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવશે . આ મતદાન મથકમાં સીરામીક ઉધોગના ડિસ્પ્લે મારફત ઇતિહાસ રજૂ કરવામાં આવશે. સીરામીક ઉધોગની સાથે મોરબીની ઐતિહાસિક વિરાસતને પણ આવરી લેવાશે. આઝાદી બાદ નળિયા, મોઝેક ટાઇલ્સ, ઘડિયાળ ઉધોગ તરીકે જાણીતા મોરબીમાં વર્ષ 1991થી સીરામીક ઉધોગનો ઉદય થયા બાદ આ ઉધોગની વિકાસની ગાડી એટલી વેગવતી બની કે દેશ અને દુનિયા મોરબીની સીરામીક નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ છે. વર્ષ 1994માં સીરામીકની કંપનીઓ કાર્યરત થયા બાદ આ ઉધોગે હરણફાળ વિકાસ કરીને આજે 850થી વધુ સીરામીક કંપનીઓ રાત દિવસ ધમધમી ઉઠતા સીરામક ઉધોગનું વાર્ષિક ટર્ન ઓવર 45 હજાર કરોડને આંબી ગયું છે. મોરબીનો સીરામીક ઉધોગ આજે વોલ, ફ્લોર, પાર્કિગ ટાઇલ્સ અને વિટ્રીફાઇડ ટાઇલ્સ તેમજ સેનેટરી વર્સનું ઉત્પાદન કરીને આ ઉત્પાદનના 30થી 40 ટકા ઉત્પાદન 124 દેશમાં નિકાસ કરીને આ ઉધોગ સમગ્ર વિશ્વમાં બીજા નંબરે પહોંચી ગયો છે. આ સીરામીક ઉધોગના વિકાસ અને ઇતિહાસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આવરી લેવામાં આવ્યો છે. આ અંગે નોડલ ઓફિસર મેહુલ હીરાણીએ જણાવ્યું હતું કે મોરબીની ઓળખ ખાઝ કરીને મણીમંદિર, નહેરુ ગેઇટ, ગ્રીન ચોક તેમજ સીરામીક ઉધોગની જાણકારી મળે એ માટે મોરબીમાં ધરમપુર ગામે ખાસ મતદાન મથક બનાવવામાં આવશે . જેમાં સીરામીક કંપનીના સહયોગથી મોરબીની આગવી ઓળખ ધરાવતા સીરામીક ઉધોગનો ઇતિહાસ એ મતદાન મથકમાં રજૂ કરવામાં આવશે. ખાસ ડિસ્પ્લે દ્વારા સીરામીક ઉધોગનો વિકસગાથા રજૂ કરતું આ મતદાન મથક 29મીએ તૈયાર થઈ જશે અને તા.1ના રોજ મતદાનના દિવસે લોકો સીરામીક નગરીમાં મતદાન કરવા આવ્યા હોવાનો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું કરાશે. સીરામીક ફેકટરીમાં હોય તેવા પ્રોડક્ટના બેનેરો અને ખાસ ડિસ્પ્લે પ્રદર્શિત કરાશે.