મોરબીના જાગૃત વેપારીઓ બિલમાં 100 ટકા મતદાન થાય તેવી અપીલ કરી રહ્યા છે : ડોક્ટરો બાદ હવે વેપારીઓ પણ અભિયાનમાં જોડાયા મોરબી: આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ મોરબી સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને 100 ટકા મતદાન થાય તે માટે મોરબીના તબીબો બાદ હવે વેપારીઓ પણ મતદાન જાગૃતિના આ અભિયાનમાં જોડાયા છે. મોરબીના તખતસિંહજી રોડ પર આવેલા સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફૂટવેરની દુકાન ધરાવતા ફાઈન ફૂટવેરના વેપારીએ પણ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત તેઓની દુકાનમાં જે કોઈ ગ્રાહક ખરીદી કરવા આવે તેઓના બિલમાં રાષ્ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો મારવામાં આવી રહ્યો છે અને ગ્રાહકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીના તબીબો બાદ હવે વેપારીઓ પણ 100 ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.