પિતાની છત્રછાયા ગુમાવનાર સગીર ફઈબા સાથે રહેતો હતો મોરબી : મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં ફઈબા સાથે રહેતો સગીરવયનો બાળક સ્કૂલે ગયા બાદ તા.23ના બપોરથી લાપતા બનતા સગીરના અપહરણની આશંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ પાર્ક સોસાયટીમા રહેતા લીલાબેન પીયૂષભાઈ કાલરીયાના ભાઈ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમારનું મૃત્યુ થતા તેમનો પુત્ર મુકેશ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર ઉ.13 નામનો બાળક લીલાબેન સાથે જ રહે છે અને મોરબીના ઘૂંટુ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 7મા અભ્યાસ કરે છે. દરમિયાન ગત તા.23ના રોજ લીલાબેનનો ભત્રીજો મુકેશ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર રાબેતા મુજબ સ્કૂલે ગયા બાદ બપોરે ઘેર પરત ન ફરતા પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરી હતી પરંતુ મુકેશ નહિ મળી આવતા મુકેશના અપહરણની શંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાપતા બનેલ મુકેશ વાને ઉજળો અને પાતળા બાંધાનો છે, બન્ને પગે ટાંકા લીધેલાના નિશાન છે, મુકેશની ઉંચાઈ પોણા પાંચ ફૂટ જેટલી છે અને લાપતા બન્યો ત્યારે કાળા કલરનું ટીશર્ટ, આછા બ્લ્યુ કલરનું જીન્સ, દુધિયા ટીશર્ટ અને કાને લાલપટ્ટી બાંધી હતી. જો કોઈ ને મુકેશ અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.