ભાજપની જાહેરસભાના સ્ટેજ પાસે ઝુમ બરાબર ઝુમ શરાબીની મોજ : વિડીયો શૂટિંગ ન થાય તે માટે ભાજપ કાર્યકરના પ્રયાસ મોરબી : ચૂંટણીની મોસમ આવતા જ દેશી દારૂની પોટલીઓ પીતા બેવડાઓને બાટલીઓ મળી જતી હોય છે અને રાત્રે તો ઠીક દિવસે પણ દારૂડિયાઓ ઝુમ બરાબર ઝુમ બનીને હેલીકૉપટર બનીને ફરતા હોય છે ત્યારે ટંકારા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની જાહેરસભામાં આવા જ એક દારૂડિયો ફૂલ મોજમાં આવી ગયો હતો અને નેતાઓના ભાષણ વખતે જ આળસ ખંખેરી ઉભો થતા એક ખેસ પહેરેલા કાર્યકરે આ વિડીયો શૂટિંગ ન થાય તે માટે આડા આવવા પ્રયાસો કર્યા હતા. વિધાનસભા ચૂંટણીને કારણે મતદારોને ભજીયા, ચાપડી સહિતના નાસ્તા ભોજનની જમાવટ થઈ છે અને કેટલીક જગ્યાએ છાંટાપાણીની જોગવાઈ પણ છાંનાખૂણે ચાલી રહી છે. ત્યારે ટંકારાના હડમતીયા ગામે યોજાયેલ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાની જાહેરસભામાં મંચ પાસે જ એક શરાબીએ ડમડમ હાલતમાં ભાન ગુમાવી દઈ બેસવાને બદલે લંબાવીને ધ્યાનથી ભાષણ સાંભળ્યું હતું અને નેતાઓના ભાષણ સમયે અચાનક જ આળસ મરડી થોથવાતી જીભે આ ડીઝલ એન્જીને બફાટ ચાલુ કર્યો હતો. મજાની વાત તો એ છે કે આ કમ્પ્લીટ થયેલી ગાડી જ્યાં લાંબી થઈને પડી હતી ત્યાંજ ભાજપના ખેસ ધારણ કરીને બેઠેલા અગ્રણીઓ અને કાર્યકરોએ બેવડાને હટાવવાની કોશિશ કરી ન હતી જો કે આ શરાબીનો વિડીયો ઉતરવાનું શરુ થતા જ ભાજપનો એક કાર્યકર સતત દારૂડિયાનો વિડીયો ન ઉતરે તે માટે કેમરા આડા આવવા સ્માર્ટ પ્રયાસો કર્યા હતા પરંતુ અંતે ભાજપની જાહેરસભામાં કમ્પ્લીટ થયેલી ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.