આજે કોર્ટમાં હિયરિંગ થયું અને હુકમ 23મીએ જાહેર કરાશે મોરબી : મોરબી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં 8 આરોપીઓએ જામીન પર છુટવા કોર્ટમાં અરજી કરતા આજે મોરબી કોર્ટમાં આ જામીન અરજીનું હિયરીગ કરવામાં આવ્યું હતું. કોર્ટે બેંને પક્ષના વકીલોની દલીલ અને પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ કેસની સુનાવણી 23મીએ જાહેર કરવાનું ઠેરવ્યું હતું. 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી કાળમુખી મોરબીની ઝૂલતાપૂલ તૂટવાની ગોઝારી દુર્ઘટનામાં પોલીસે જે તે સમયે જવાબદાર ઓરવા કંપનીના મેનેજર દીપકભાઈ પારેખ સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હોય હાલ જેલમાં હોય તેમાંથી આરોપીઓ દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરી હતી. આ આઠ આરોપીની જામીન અરજીની આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં આજે આ આઠ આરોપીઓની જામીન અરજીની હિયરિંગ થયું હતું. જેમાં સરકારી વકીલ જાની અને આરોપીઓને વકીલના દલીલોના ધ્યાને લઈને આ કેસનો હુકમ કોર્ટે 23 તારીખે જાહેર કરશે એવું જણાવ્યું હતું.