ગામો-ગામથી લલિત કગથરાને મળતું જબરું જનસમર્થન મોરબી : ટંકારા - પડધરી વિધાનસભા બેઠક ઉપર ખરાખરીનો રાજકીય ખેલ જામ્યો છે ત્યારે ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષને હરાવી વિજેતા બનેલા કોંગ્રેસના કાકા એટલે કે લલિતભાઈ કગથરાને ગામોગામથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું હોય ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે. મોરબી જિલ્લામાં વર્ષ 2017માં મોરબી-માળીયા, ટંકારા - પડધરી અને વાંકાનેર- કુવાડવા બેઠક ઉપર ભાજપના સૂપડા સાફ થઈ ગયા બાદ કોંગ્રેસના બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ જતા મોરબી બેઠકની ચૂંટણીમાં ભાજપે ફરી તેમને મેદાને ઉતારી એડીચોટીનુ જોર લગાવી ભાજપનો ગઢ ગણાતી મોરબી બેઠક ફરી જાળવી રાખી હતી. જો કે, વાંકાનેર અને ટંકારા બેઠક ઉપર વર્ષ 2022ના ચૂંટણી જંગમાં કોંગ્રેસ સામે ભાજપના ઉમેદવારો માટે વિજય આસન ન હોવાનું મતદારોનો મિજાજ જોતા લાગી રહ્યું છે. ખાસ કરીને ટંકારા - પડધરી બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા 108ની જેમ મતદારોને કામ લાગવાની સાથે કોઈપણ નાના-મોટા કામ માટે ખડેપગે હાજર થઈ જતા હોવાના કારણે લલિત કાગથરાની લોક ચાહના આ વિસ્તારમાં જબરી છે. આ બેઠક માટે કાકા ના કામ બોલે છે સૂત્ર સામે ભાજપને આ વખતે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ ગત ચૂંટણીની જેમ જ આ વખતે પણ ભાજપે જિલ્લા ભાજપ અધ્યક્ષને મેદાને ઉતાર્યા છે પરંતુ કાકા સામે દુલા કાકા આ વિધાનસભા બેઠક ઉપર અજાણ્યા પડી રહ્યા હોવાનું મતદારો જણાવી રહ્યા છે. હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લલિત કગથરાને ગામો ગામ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. પડધરી વિસ્તારના મતદારો તો ભાજપના ઉમેદવારનું નામ પહેલી વખત સાંભળ્યું હોવાનું પણ કટાક્ષમાં બોલી રહ્યા છે.