પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ્સ હેમાંગભાઈની સાથે હળવદ પાલિકાના બે સભ્ય સહિત અનેક કાર્યકર્તાઓએ કવાડીયાના હાથે ખેસ પહેર્યો હળવદ : વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર બરાબરનો જામતો જઈ રહ્યો છે ત્યારે હળવદ કોંગ્રેસમાં આજે ભંગાણ થયું હતું. પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટસ અને હળવદ કોંગ્રેસના ધુરંધર આગેવાન હેમાંગભાઈ રાવલ તેમજ નગરપાલિકાના બે સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓએ પૂર્વ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષના હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયા છે. ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ જામી છે ત્યારે આજે હળવદ કોંગ્રેસના અગ્રણી પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને પ્રદેશ કોંગ્રેસના ડેલિકેટ તરીકે જવાબદારી નિભાવતા હેમાંગભાઈ રાવલે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. હેમાંગભાઈ રાવલ સાથે હળવદ પાલિકાના ચૂંટાયેલા બે સદસ્ય વાસુભાઈ પટેલ અને દેવુભાઈ ભરવાડ, માલધારી સેલના પૂર્વ પ્રમુખ વેલાભાઇ ભરવાડ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂર્વ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાના હાથે ભાજપનો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ હેમાંગભાઈ રાવલે જણાવ્યું હતું કે દેશની દશા અને દિશા બદલવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ તરફથી મને કોઈ નારાજગી નથી પરંતુ લોકોના કામ વધુ સારી રીતે કરી શકું તે માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,બીપીનભાઈ દવે,હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.