ચોરી ઉપરસે સિનાજોરી જેવા ઘાટ વચ્ચે બે કેદીઓએ ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની ફરિયાદ મોરબી : મોરબી સબ જેલમાં હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા આરોપી પાસેથી જેલ સ્ટાફના સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મોબાઈલ ફોન મળી આવતા બે કેદીઓ દ્વારા ચોરી ઉપરસે સિનાજોરી જેવા ઘાટ વચ્ચે જેલ સહાયકને ધમકી આપી ફરજમાં રુકાવટ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. મોરબી સબ જેલ સહાયક ભરતભાઇ અમુભાઇ ખાંભરા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે ગત તા.13 નવેમ્બરના રોજ બેરેક નંબર-1માં સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન જેલમાં હત્યાના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા રહે.ગ્રીનચોક કંસારા શેરી મોરબીની તલાસી દરમિયાન ગુપ્ત ભાગેથી સેમસંગ ગેલેકસી-એસ-10 સ્કાય બ્લુ કલરનો મોબાઇલ ચાલુ હાલતમા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરતા તેની જ બેરેકમાં રહેલા તેના મિત્ર એવા સુર્યદિપસિંહ રણજીતસીંહ જાડેજા રહે. દહીંસરા વાળો ઉશ્કેરાઈ ગયો હતો અને જેલ અધિક્ષક સાથે ગાળાગાળી કરી બહાર નીકળીને જોઈ લેવા ધમકી આપી હતી. આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી સબ જેલ સહાયક ભરતભાઇ અમુભાઇ ખાંભરાની ફરિયાદને આધારે કાચા કામના કેદી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા અને સુર્યદિપસિંહ રણજીતસીંહ જાડેજા વિરુદ્ધ આઇ.પી.સી.કલમ.૫૦૪,૧૮૬.૧૮૮,૧૧૪ તથા પીઝન એકટ કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ સીટી એ ડિવિઝન એએસઆઈ આર.પી.રાણા ચલાવી રહ્યા છે.