જિલ્લાની ત્રણ બેઠકમાં ત્રણ મહિલાઓએ ઉમેદવારી કરી : બે MLA બની 1967માં ટંકારા બેઠક, 2002માં વાંકાનેર બેઠકનું મહિલા દ્વારા પ્રતિનિધિત્વ કર્યું મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની વર્ષ 1962 અત્યાર સુધી યોજાયેલી 13 વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉદાસીનતાને કારણે મહિલાઓનું ખૂબ જ વર્ચસ્વ ઓછું રહ્યું છે. જેમાં 1962થી અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર માત્ર ત્રણ મહિલા ઉમેદવારો દાવેદારી કરી શકી છે. એમાંથી બે મહિલાઓ ધારાસભ્ય બની ચુકી છે. જેમાં બે મહિલા ધારાસભ્યએ 1967માં ટંકારા બેઠક, 2002માં વાંકાનેર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકમાં એક મોરબી-માળીયા, બીજી ટંકારા-પડધરી અને ત્રીજી વાંકાનેર કુવાડવા બેઠક પર વર્ષ 1962 થી અત્યાર સુધી યોજાયેલી 13 વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારનું યોગદાન ખૂબ કંગાળ રહ્યું છે. જેમાં ત્રણ મહિલાઓને અત્યાર સુધીમાં ટિકટ મળી છે. મોરબી જિલ્લામાં ટંકારા બેઠક પર વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે વી.જે.શાહ નામના મહિલા ધારાસભ્ય બન્યા હતા.તે મની સામે હરીફ બી.જે.એસ.ના એમ.આર.રાણપુરાને ટીકીટ મળી હતી.ત્યારે વી.જે.શાહને 13104 મત અને તેમના હરીફ ઉમેદવાર એમ.આર.રાણપુરાને 10209 મત મળ્યા હતા. આથી એમ.આર.રાણપુરાને 2895 મતે હરાવીને વી.જે.શાહ નામના મહિલા ધારાસભ્ય વિજેતા થયા હતા. જ્યારે વર્ષમાં 2002 વાંકાનેર બેઠક ઉપર જોશનાબેન જીતુભાઈ સોમાણીને ભાજપે ટીકીટ આપી હતી. તેની સામે હાલના સીટીંગ ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડત હતા. ત્યારે જોશનાબેન સોમાણીને 50005 મત મળ્યા હતા.જ્યારે મહંમદ જાવીદ પીરજાદાને 40384 મત મળતા જોશનાબેન સોમાણી 9621 મતે વિજયી થયા હતા. ત્યારબાદ 10 વર્ષ પછી 2012માં ફરી ભાજપે જોશનાબેન સોમાણીને ટીકીટ આપી હતી. તેમની સામે મહંમદ જાવીદ પીરજદા જ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હોય એ ચૂંટણીમાં જોશનાબેનને 53727 મત અને મહંમદ જાવીદ પીરજદાને 59038 મત મળતા 5311 મતે જોશનાબેન હાર્યા હતા. મોરબી બેઠક પર મહિલાઓને ટીકીટ મળી જ નથી મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર વર્ષ 1962 થી વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારથી અત્યાર સુધી એકપણ પક્ષે મહિલાઓને ટીકીટ આપી નથી. ભાજપ અને કોંગ્રેસ સહિત દરેક પક્ષે મહિલાઓને ટીકીટ મળી નથી. એટલે વર્ષોથી આ બેઠક ઉપર પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે. આ વખતે પણ આ બેઠક પર પુરુષોનો જ દબદબો રહેશે.