સિંધી સમાજ દ્વારા ધૂન-ભજન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ મોરબી : મોરબીમાં ગોઝારી દુર્ઘટનાને આજે ૯ દિવસના દાડા વીતી ચુક્યા છે, જોકે હજુ પંથક આ ગોઝારી દુર્ઘટનાને ભુલી શક્યો નથી અને ચુંટણી જાહેર થવા છતાં ચુંટણીનો કોઈ માહોલ જોવા મળતો નથી. ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે દરેક પ્રકારની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી રહી છે. જેમાં આજે ગુરુનાનક જયંતીની ઉજવણી પણ મોકૂફ રાખી માત્ર ધૂન-ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સિંધી સમાજ અને શીખ સમાજના આરાધ્ય દેવ ગુરુ નાનક જયંતીની દર વર્ષે ધામધુમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે થોડા દિવસ પૂર્વે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેના આઘાતમાંથી મોરબી હજુ બહાર આવ્યું નથી, ત્યારે સિંધી સમાજ દ્વારા પણ ગુરુ નાનક જયંતીની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. મોરબી સિંધી સમાજ દ્વારા આજે ગુરુ નાનક જયંતી નિમિતે યોજાનાર શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ ધૂન-ભજન કર્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.