ગુજરાત સરકાર, કલેકટર અને પાલિકાને નોટિસ, 14મી નવેમ્બરની મુદ્દત પડી મોરબી : મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં આજે ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થનાર હોવાનું દિવ્ય ભાસ્કરના અહેવાલો જણાવી રહ્યા છે. મોરબીમાં 30 ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત સરકાર ઉપરાંત કલેકટર, મોરબી નગરપાલિકા સહિતના તંત્રને નોટિસ ફટકારી છે અને શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.ત્યારે આજે નામદાર હાઇકોર્ટ દ્વારા આગામી દસ દિવસમાં લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરી વધુ સુનાવણી આગામી તા.14ના રોજ મુકરર કરી છે.