બાઇકમાં ચાવી રાખી ચા ની ચૂસકી મારવા જતા તસ્કર બાઈક લઈ છનનનન મોરબી : મોરબીમાં સેનેટરીવર્સ કારખાનામાં કામ કરતા યુવાનને અડધી ચા રૂપિયા 40 હજારમાં પડી હતી. આ યુવાન બાઇકમાં ચાવી રાખી ચા પીવા જતા અજાણ્યો તસ્કર બાઈક લઈને છનનન થઈ ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.29ના રોજ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીજવાડા ગામના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે ઇન્ડિકા સેનેટરીવર્સ કારખાનાના લબર કવાટર્સમાં રહી કામ કરતા દેવાભાઈ જેઠાભાઈ ચાવડા કિસ્મત ગેરેજ પાસે ચા પીવા ગયા હતા ત્યારે બાઇકમાં જ ચાવી રાખી ચાની ચૂસકી મારતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ મોટર સાયકલની ચોરી કરી નાસી ગયો હતો. વાહન ચોરીના આ બનાવ અંગે ફરિયાદી દેવાભાઈ જેઠાભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમની માલિકીનું જીજે - 13 - એકયું - 5482 નંબરનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બાઈક ચોરી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.