દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને રૂપિયા 25 લાખ તથા ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 20 લાખ તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માંગ ઝૂલતા પૂલ અસરગ્રસ્ત ન્યાય સમિતિ દ્વારા દુર્ઘટનામાં ભોગ બનેલાઓને યોગ્ય ન્યાય અને વળતર આપવાની માંગ સાથે કલેકટરને આવેદન અપાયું મોરબી : 30 ઓક્ટોબરના રોજ એક સાથે 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરી ભોગ બનેલાઓને યોગ્ય ન્યાય અને વળતર આપવાની માંગ સાથે આજે ઝૂલતા પૂલ અસરગ્રસ્ત ન્યાય સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ટિકિટ કાપનાર જેટલા જ રીબીન કાપનારા જવાબદાર હોય કડક હાથે તમામ દોષિતો સામે પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે છ-છ દિવસ વીતવા છતાં પણ સરકારી તંત્ર દ્વારા મોટામાથાઓ વિરુદ્ધ પગલાં નહીં ભરવામાં આવતા આજે ઝૂલતા પૂલ અસરગ્રસ્ત ન્યાય સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે હાલમાં ટિકિટ કાપનારા, ચોકીદાર અને મેનેજર તેમજ મરામત કરવાનો કોન્ટ્રાકટ કરનાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જે યોગ્ય નથી હકીકતમાં ટિકિટ કાપનારાની જેમ જ ઝૂલતા પુલના રીનોવેશન બાદ રીબીન કાપનાર એટલે કે કોન્ટ્રાકટ લેનાર ઓરેવા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર પણ એટલા જ જવાબદાર હોય તે સહિતના તમામ જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઉઠાવી હતી. ન્યાય સમિતિ દ્વારા નીચે મુજબની માંગ કરવામાં આવી છે. (1) ઝુલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિક મોરબી નગર પાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ તપાસમાં જે જે લોકો જવાબદાર જણાય તે તમામ લોકોની સામે સામૂહિક માનવ વધની ગુની દાખલ કરવામાં આવે અને નગરપાલિકા ચીફ ઉપર માનવવધનો ગુનો દાખલ કરવો. (2) હાલ જે પોલીસ તપાસ ચાલી રહી છે તે યોગ્ય અને સંતોષકારક રીતે તપાસ થઇ રહી નથી જેથી અમારી માંગણી છે કે, ગુજરાત હાઇકોર્ટ ના નિવૃત્ત જજના વડપણ હેઠળ ની ઉચ્ચ તપાસ સમિતિ બનાવી ઘટનાની સંપૂર્ણ અને તટસ્થ તપાસ થાય અને હાલના ફરિયાદીને બદલવા મા આવે. (૩) દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને રૂપિયા 25 લાખ તથા ઇજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 20 લાખ તાત્કાલિક ધોરણે રાજ્યસરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે. (4) ભોગ બનનારનો કેસ લડવા સરકાર એક સિનિયર તેમજ તટસ્થ સરકારી વકીલની નિમણૂક કરે અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમા ચલાવવામાં આવે તેવી અમારી માંગણી છે. (5) સરકાર દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામા ભોગ બનેલા લોકોની યાદમા એક મેમોરિયલ બનાવવામાં આવે અને આ મેમોરીયલ જાણવણી માટે મેમોરિયલ ટ્રસ્ટ બનાવવામા આવે એવી અમારી માંગણી છે.