ગઈકાલે મોડીરાત્રી સુધી કાર્યવાહી બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી મોરબી : મોરબીમા 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે અંતે સરકારે કડક પગલું લઈ પોતાની જવાબદારી ખંખેરી રહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે આ મામલે જિલ્લા કલેકટર, અધિક કલેકટર કે નગરપાલીકાનો સ્ટાફ અજાણ છે અને ખુદ ચીફ ઓફિસરે પણ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો છે. 30 ઓક્ટોબરના કાળા રવિવારે મોરબી નગરપાલિકાની માલિકીનો અને ઓરેવા ટ્રસ્ટ સંચાલિત ઝૂલતો પુલ તૂટી પડતા કુલ 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટનાને પગલે હાલમાં સીટની રચના કરી સ્થાનિક પોલીસે ઓરેવા કંપનીના બે મેનેજર અને ફેબ્રિકેશન કોન્ટ્રાકટ સહિત 9ની ધરપકડ કરી છે. આ સંજોગોમાં લોકોનો રોષ જોતા છ દિવસ બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ઝાલા ને સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો મળી રહી છે. ઉલ્લેખનીય છે એક નગરપાલિકા ચીફ ઓફિસર અત્યાર સુધી આ દુર્ઘટનામાં પોતાની જવાબદારી ખંખેરી રહ્યા હતા અને કંપનીએ પાલિકાને જાણ ન કરી હોવાનો બચાવ કરી રહ્યા હતા ત્યારે વ્યાપક લોક રોષ જોતા ગત મોડી રાત્રી સુધી કલેકટર કચેરીમા અધિકારીઓના જમાવડા બાદ ગાંધીનગર શહેરી વિકાસ વિભાગ દ્વારા અંતે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણકારી હાલ મળી રહી છે.