સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડી રોડ અને ઓલ્ડ મોરબીમાં લાગુ કરાયો અશાંત ધારો : જિલ્લા કલેકટર કચેરીમાં નોટિફિકેશન આવી ગયું મોરબી : મોરબી શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોની માંગણીને પગલે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોરબીના જુદા જુદા 20 વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવવા અંગેનું વિધિવત જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત સરકારના આ જાહેરનામા અન્વયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા છે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.વધુમાં મોરબીમાં આગામી વર્ષ 2027 સુધી ઉપરોક્ત 20 વિસ્તારોમાં કલેકટરની પૂર્વ મંજૂરી વગર મિલ્કત તબદીલ નહીં કરી શકાય તેવો મહેસુલ વિભાગ દ્વારા આદેશ કરાયો છે અને હાલમાં આ જાહેરનામું જિલ્લા કલેકટર કચેરીમાં પણ સત્તાવાર રીતે આવી ગયું હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે.