તંત્રને લાપત્તા વ્યક્તિની મળેલી માહિતી પોલીસ તપાસમાં ખોટી નીકળી : રાહત કમિશનર તમામ એજન્સી સાથે રિવ્યૂ મિટિંગ કરી રાહત કાર્ય ચાલુ રાખવું કે કેમ તે વિશે નિર્ણય લેશે મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પાંચમા દિવસે હજુ પણ વિવિધ ટીમો દ્વારા લાપતા વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. ત્યારે આજે બપોરે ગુજરાતના રાહત કમિશનર હર્ષદ પટેલ મોરબી જિલ્લા કલેકટર સાથે ઘટના સ્થળે પોહચ્યાં હતાં અને સમગ્ર બચાવ કાર્યની તમામ માહિતી મેળવી હતી. આ સમયે મોરબી જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી મળી હતી તેની આજે પોલીસ દ્વારા ખરાઈ કરતા આ ફ્રોડ કોલ હોવાનું સાબિત થયું છે. હવે સત્તાવાર રીતે કોઈ મીસિંગ નથી. જ્યારે રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે તેમને બચાવ કાર્યમાં જોડાયેલી તમામ ટીમો પાસેથી વિગતો મેળવી છે. આજે નદીના ડેપ્થમાં અદ્યતન ટેકનોલોજી સાથેના કેમેરા અને સાધનો સાથે તરવૈયાઓ સર્ચ ઓપરેશન કર્યું હતું. હવે કોઈ મિસીંગ ના હોવાથી આ સમગ્ર બચાવ કાર્ય અંગે વિગતે ચર્ચા માટે એક મિટિંગ મળશે અને તેમાં નક્કી કરવામાં આવશે કે આગળ હવે બચાવ રાહત કાર્ય ચાલુ રાખવું કે કેમ ? છેલ્લા 3 દિવસથી કોઈ ડેડબોડી મળી નથી..આજે અમુક મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળી છે 30 ઓકટોબરે સાંજે ઝૂલતા પુલ તૂટી જવાથી સેકડો લોકો નીચે મચ્છુ નદીના પડી ગયા હતા. આ ઘટનામાં બચાવ કાર્યમાં સ્થાનિક લોકોની સાથે તંત્રે આર્મી, નેવી, એરફોર્સ, NDRF, SDRF અને ફાયર બ્રિગેડની ટીમો પણ અત્યાધુનિક સાધનો સાથે બચાવ કાર્યમાં લાગી હતી. જેમાં દુર્ઘટનાની રાત્રિ અને બીજા દિવસે બપોર સુધીમાં કુલ 134 મૃતદેહો નદીમાંથી મળ્યા હતા અને એક વ્યક્તિનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુ આંક 135 થયો હતો. આજે પાંચમાં દિવસે પણ બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જોકે 31 ઓક્ટોમ્બર સાંજ સુધી મૃતદેહો મળ્યા હતા. ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી કોઈ જ ડેડબોડી મળી નથી. તેમજ બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી કંટ્રોલ રૂમમાં મળી હતી તેની ખરાઈ કર્યા તે માહિતી ખોટી નીકળી હોવાનું તંત્રે જણાવ્યું છે.