સર્વજ્ઞાતિય ઉપવાસ આંદોલન મામલે નિલેશ એરવાડિયા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજી ધડાકા ભડાકા કરાશે મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હોવા છતાં આ ગંભીર મામલે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતા આજે નિલેશ એરવાડિયા સહિતના નાગરિકો દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી તાકીદે તમામ જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે અન્યથા આવતીકાલે તા.4થી સુપરમાર્કેટ સામે સર્વજ્ઞાતિય ઉપવાસ આંદોલન શરૂ કરવા ચીમકી ઉચ્ચારી છે. આ મામલે જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબીમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવેલ તેમજ અનેક લોકો ઘાયલ થયેલ જેમાં પોલીસ ફરિયાદ પણ દાખલ થયેલ પરંતુ તેમાં બેદરકાર જવાબદાર અધીકારીઓ અને ચુંટાયેલા જવાબદાર પદાધીકારીઓ ઉપર કોઇ જ ફરીયાદ કે ગુનો દાખલ થયેલ નથી. ત્યારે જનતાના હીત માટે અને મૃતકોના ન્યાય માટે જ્યાં સુધી જેતે જવાબદાર અધીકારીઓને તેમજ પદાધીકારીઓને પોલીસ ફરીયાદમાં નામ સાથે ઉલ્લેખ કરી ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી સર્વ જ્ઞાતી, જાતી તેમજ દરેક ધર્મઅને સંપ્રદાયના લોકો ઉપવાસ ઉપર ન્યાય માટે બેસશે. વધુમાં ૨૦૨૦માં કરેલ ઝુલતા પુલનું રીનોવેશન કાર્ય કે, જેની જાણ મોરબી કલેકટર, મોરબી નગર પાલીકા ચીફ ઓફીસર, મોરબી નગર પાલીકા પ્રમુખ, મોરબી ચીફ એન્જીનીયર તેમજ મોરબી નગર પાલીકાની કમીટીને સંપૂર્ણ જાણહોવા છતા રૂબરૂ મીટીંગો થયેલી તેમજ સરકારી પેપર ઉપર પણ વર્ક થયેલ છે. ઉપરોક્ત તમામ અધીકારીઓને તેમજ પદાધીકારીઓને જાણ હોવા છતા આંખ આડા કાન કરીને ભ્રષ્ટાચાર કરીને ઝુલતા પુલનું જે તે એજન્સીને કામ કરવા દીધેલ હતુ બંધ કરાવેલ ન હતું. જેથી તમામ ઉપરોક્ત અધીકારી તેમજચુંટાયેલ પદાધીકારી જુલતા પુલ દુર્ઘટનાના જવાબદાર હોદેદાર હોવાથી ફરીયાદમાં નામ દાખલ કરી કાયદેસરની ધારા ધોરણ મુજબની કામગીરી કરવા સર્વમોરબીની જાગૃત નાગરીકની અરજ છે. જો તા. ૪/૧૧/૨૦૨૨, સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત ગુનેગારોના ફરીયાદમાં નામ દાખલ નહી થાય તો મોરબીના જાગૃત નાગરીકો દ્વારા સુપર માર્કેટ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે. અને ઝુલતા પુલ ન્યાય આંદોલન છાવણીમાં દરેક જ્ઞાતીના, દરેક જાતીના તમામ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરીવારોના સગાવ્હાલા ન્યાય માટે ગાંધી ચિધ્યા માર્ગે અહીંસાની વિચાર ધારાથી બેસશે અને મોરબીના જાગૃત નાગરીકો સમર્થન આપશે. આંદોલન દરમીયાન ટ્રાફીક સમસ્યા તેમજ તમામ કાયદાઓનું પાલન કરવામાં આવશે. તેમજ રોજ જેટલા લોકો પ્રતીક ઉપવાસ ઉપર બેસશે તેની યાદી સરકારી તંત્રને આપવામાં આવશે તેવું અંતમાં નિલેશ એરવાડિયાએ જણાવી આજે સાંજના પત્રકાર પરિષદ યોજી વધુ એક મુદ્દો ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.