એલસીબી ટીમે ફાયરિંગ પ્રકરણના સાત પૈકી ત્રણ આરોપીને દબોચ્યા મોરબી : હળવદમા દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ બાબતે સરા ચોકડી નજીક સરાજાહેર ફાયરિંગ કરનાર નામચીન શખ્સ સહિત ત્રણ આરોપીઓને બાતમીને આધારે જામનગર જિલ્લાના જાંબુડા ગામેથી ઝડપી લઈ હળવદ પોલીસને સોંપી આપવા તજબીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.9 ઓક્ટોબરના રોજ હળવદની સરા ચોકડી નજીક આવેલ સિનિયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ બાબતે ઝઘડો કરી સરાજાહેર ફાયરિંગ કરવાના બનાવમા સાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. બનાવ બાદ નામચીન શખ્સ સહિત પાંચ આરોપીઓ નાસતા ફરતા હોય આ પ્રકરણમાં એલસીબી ટીમને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી સહિતના ત્રણ શખ્સ હાલ જામનગરના જાંબુડા ખાતે છે. જેને પગલે એલસીબી ટીમે જાંબુડા ગામેથી આરોપી પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી અને મેહુલ ઉર્ફે મેરિયો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ કણઝરીયાને હથિયાર સહિત ઝડપી લીધા હતા. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગશિયા અને દશરથસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.