પ્રથમ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ કલેક્ટર ઓફિસે જશે મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચી ગયા છે. અહીં તેઓ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા ઉપરાંત વ્યવસ્થાની સમીક્ષા પણ કરવાના છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 134 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ કરુણ ઘટનાના દેશભરમાં પગલાં પડ્યા છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવી પહોંચ્યા છે. તેઓના હેલિકોપ્ટરે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં બનાવેલા હેલિપેડ ખાતે બપોરે 3:50 કલાકે ઉતરાણ કર્યું હતું. અહીં તેઓએ ઉતરાણ કર્યા બાદ મચ્છુ નદી ઉપર જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં જવા નીકળ્યા છે. જ્યાં તેઓ નિરીક્ષણ કરી બાદમાં તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેવાના છે. ત્યાં ઇજાગ્રસ્તોને મળીને જિલ્લા કલેક્ટર કચેરીએ જવાના છે. અહીં તેઓ હતભાગીના પરિવારજનોને પણ મળવાના છે. અને અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. તેવું જાણવા મળ્યું છે.