રાજ્યના તમામ ગામો તેમજ મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકામાં દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવા રાજ્ય સરકારે સૂચન જાહેર કર્યું મોરબી : મોરબીની કાળજું કંપાવનારી ઝૂલતાપૂલની દુર્ઘટના મામલે આવતીકાલ તા.2ના રોજ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાથે રાજ્ય સરકાર તરફથી પરિપત્ર જાહેર કરીને આવતીકાલે રાજકીય શોક રાખી રાજ્યના તમામ ગામો તેમજ મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકામાં દિવગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવાનું સૂચન જાહેર કર્યું છે. મોરબીની ભયકર તારાજી સર્જી દેનાર ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના આત્માની શાંતિ માટે રાજ્ય સરકારે આવતીકાલ તા.2ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય શોક જાહેર કર્યો છે. સાથેસાથે રાજ્ય સરકાર તરફથી પરિપત્ર જાહેર કરીને પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના તમામ ગામો અને મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકામાં પ્રાર્થનાસભાનું આયોજન કરવાની સૂચના જાહેર કરી છે આવતીકાલે આખું રાજ્ય મોરબીની દુર્ઘટના મામલે શોકમય બનીને હતભાગીઓના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપશે તેવું રાજ્ય સરકારના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીએ જણાવ્યું છે.