મોરબીના સિરામિક, પેપરમિલ, પોલિપેક, ઘડિયાળ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ શોકમય બંધ ઝૂલતા પુલ દુર્ઘટનામાં ભોગગ્રસ્ત પરિવારોને તમામ મદદ પહોંચાડવા ઉદ્યોગોની ખાતરી મોરબી : મોરબીમાં 135થી વધુ લોકોનો ભોગ લેનારી ગોઝારી ઝૂલતો પુલ દુર્ઘટનાથી સમગ્ર દેશમા શોકનું મોજું પ્રસરી ગયું છે ત્યારે મોરબીની ઓળખસમા સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોએ આજે એક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 30 ઓક્ટોબરના રોજ દર્દનાક સાંજે મોરબીની ઓળખ સમો ઝૂલતો પુલ તૂટી પડતા ગઈકાલે વેપારી એસોસિએશન દ્વારા મોરબી બંધ રાખવામાં આવ્યા બાદ આજે સિરામિક એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, પોલીપેક એસોસિએશન, ઘડિયાળ ઉદ્યોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક દિવસ માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી શોકમય બંધ પાડ્યો હતો.