બે મૃતકોમાં એકનું પાંચ મહિનાના લગ્નજીવનમાં મોત થતા ચુડીનો ચાંદલો નંદવાતા પરિવારમાં હૈયાફાટ આક્રંદ મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની ઘટનાએ અનેકનો જીવ લીધો છે. ત્યારે ઝૂલતાપૂલ પર ફરવા ગયેલા ત્રણમાંથી બે મિત્રોના મોત નિપજ્યા હતા. જો કે બે મૃતકોમાં એકનું પાંચ મહિનાના લગ્નજીવનમાં મોત થતા ચુડીનો ચાંદલો નંદવાતા પરિવારમાં હતપ્રભ થઈ ગયો છે. સમગ્ર માનવ જીવનનું હયું હચમચાવી દેનાર મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતાપૂલ તૂટી પડવાની દુર્ઘટનાએ કેટલાય પરિવાર તહસ નહસ થઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં બે મિત્રોનો પણ ભોગ લેવાયો છે. જેમાં મોરબીના ત્રણ મિત્રો કપિલકુમાર મનહરભાઈ રાણા ઉ.વ 26, રહે વજેપર શેરી નંબર-3, મોરભાઈ અને મેરુભાઈ ગઈકાલે ઝૂલતાપૂલ ઉપર ફરવા ગયા હતા ત્યારે પુલ તૂટી પડતા ત્રણેય મિત્રો નદીમાં ખબકયા હતા. જો કે મોરભાઈને તરતા આવડતું હોય એટલે તેઓ બહાર નીકળી ગયા હતા સાથેસાથે અન્ય એક ફૂબતી બાળકીને બચાવી લીધી હતી. પણ મોટી સંખ્યા લોકો નદીમાં ડૂબેલા હોવાથી પત્તો ન લાગતા મોરભાઈ પોતાના બે મિત્રોને બચાવી શક્યા ન હતા.આથી તેમના બે મિત્રો કપિલકુમાર મનહરભાઈ રાણા અને મેરુભાઈ ટીડાભાઈ ભરવાડના મોત નિપજ્યા હતા.જો કે આ ઘટનામાં સૌથી વધુ કરુંણ બાબત એ છે કે, કપિલકુમારના લગ્નને માત્ર પાંચ મહિના જ થયા હતા ત્યાં જ આ હોનારતરૂપી કાળ તેમને ભરખી જતા તેમના પરિવારમાં હૈયાફાટ આક્રંદ મચી ગયું હતું.