ઘટના સ્થળ, હોસ્પિટલ બાદ કંટ્રોલરૂમ ખાતે મુલાકાત મોરબી : મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટના બાદ તાબડતોબ મોરબી દોડી આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના સાથી મંત્રીઓએ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. આજરોજ સાંજના સમયે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુ નિપજતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ચિંતિત બની ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ગુજરાત સરકારને દોડતી કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તાબડતોબ મોરબી દોડી આવ્યા હતા. મોરબી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌ પ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લઇ રાહત બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. અને બાદમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમની પણ મુલાકાત લીધી હતી.