કુલ 132 મૃતકોની યાદીમાં 76 પુરુષ અને 56 સ્ત્રીઓના મૃત્યુ મોરબી : ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની સતાવાર યાદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં 2 વર્ષથી લઈ 16 વર્ષના કુલ 51 માસૂમ બાળકોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તા.30 ઓક્ટોબરના અપશુકનિયાળ દિવસે સાંજના સમયે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોના મૃત્યુની આશંકા વચ્ચે રાત ભર બચાવ રાહત કામગીરી ચાલુ રહી હતી અને એક પછી એક મૃતદેહો બહાર નીકળવાનો સિલસિલો ચાલુ રહેતા સવાર સુધીમાં કુલ 132 લોકોના મૃતદેહો નીકળતા વહીવટી તંત્ર દ્વારા મૃતકોનો સતાવાર યાદી જાહેર કરવામાં આવી છે. વધુમાં મૃતકોની આ યાદીમાં 2 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના 51 બાળકોનો સમાવેશ થાય છે અને કુલ 132ના મૃત્યુ આંકમાં મોરબી તેમજ અન્ય શહેર અને જિલ્લાના 76 પુરુષો અને 56 સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું યાદીમાં જાહેર કરાયુ છે.