નિઃશુલ્ક સર્જરી કરી આયુષ હોસ્પિટલ, દર્દીનો જીવ બચ્યો મોરબીઃ મોરબીમાં ગત સાંજે ઝૂલતા પૂલ તૂટવાથી ઈજાગ્રસ્ત થયેલા 20 વર્ષીય યુવકની આયુષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન) અને તેમની ટીમે 7 કલાક સુધી સઘન સર્જરી કરીને દર્દીનો જીવ બચાવ્યો છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દર્દીને આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તે સમયે દર્દીની હાલત નાજુક હતી. પુલ પરથી પડી જવાને કારણે દર્દીને છાતીના પાછળના ભાગે ઈજા થઈ હતી, કમરમાં 11 અને 12 મણકા અને પાછળના ભાગમાં 3 અને 4 મણકા નંબરના ભાગે ફ્રેક્ચર થયું હતું અને કરોડરજ્જુની ઈજાના કારણે મળ અને મુત્રમાર્ગ સહીત બન્ને પગમાં પેરાલીસીસ થઈ ગયું હતું. આવા સંજોગોમાં દર્દીનું તત્કાલીક ઓપરેશન જરૂરી હોય દર્દીને તત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. 7 કલાકની જટિલ સર્જરી દરમિયાન, 12 સ્ક્રૂ મણકામાં નાખવામાં આવ્યા હતા. તબીબ ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન) અને તેમની ટીમની મહેનતના કારણે દર્દીનું ઓપરેશન સફળ થયું હતું. હાલ દર્દી ICU માં છે. દર્દીની તબિયત સારી છે. અત્યાર સુધી ઝુલતા પુલ તૂટી પડતાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને આયુષ હોસ્પિટલમાં સંપૂર્ણપણે મફત સેવા પૂરી પાડવામાં આવી છે અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ઓપરેશન સહિતની સારવાર વિનામૂલ્યે આપવા આયુષ હોસ્પિટલ કટિબદ્ધ છે.