ખાનગી હોસ્પિટલોને શક્ય તેટલા વધુ તબીબોને ફરજ ઉપર હાજર રાખવા પણ સૂચના મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે લોકોને પાણીની બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેઓને જો ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે તો તેઓની તાકીદે નિઃશુલ્ક સારવાર કરવા મંત્રી મેરજાએ આદેશો આપ્યા છે. મોરબીમાં સાંજે ઝૂલતો પુલ તૂટતા જે દુર્ઘટના સર્જાઈ છે. તેને લઈને મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તંત્રને જરૂરી સૂચનો સાથે એલર્ટ મોડ ઉપર તાકીદે બચાવ કાર્ય કરવા જણાવાયું છે. આ ઉપરાંત ઘટનાગ્રસ્ત લોકોને પાણીની બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે જો ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો ત્યાં પણ તેઓની નિઃશુલ્ક સારવાર કરવા માટે મંત્રી મેરજા દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. સાથે ખાનગી હોસ્પિટલોને શક્ય તેટલા વધુ તબીબોને ફરજ ઉપર હાજર રાખવા પણ જણાવાયું છે.